January 31, 2025

વડોદરાની પાલિકાના બજેટમાં ફરી ઇ-રિક્ષાનું ભૂત ધૂણ્યું, નાગરિકોના લાખો રૂપિયાનો વેડફાટ?

પ્રશાંત ગજ્જર, વડોદરાઃ પાલિકા દ્વારા પાંચ વર્ષ અગાઉ ઇ-રીક્ષા પ્રોજેક્ટ અંતર્ગત ખરીદી હતી, પરંતુ આ પ્રોજેક્ટનું બાળમરણ થતા માત્ર એક વર્ષમાં કરોડોના ખર્ચે ખરીદેલ ઈ-રીક્ષા ધૂળ ખાઈ ભંગાર હાલતમાં પડી છે. પાલિકાની અણઆવડતના કારણે નાગરિકોના વેરાના લાખો રૂપિયાનો વેડફાટ થયો હતો. ત્યારે પાલિકા દ્ધારા રજૂ કરવામાં આવેલા વર્ષ 25-26ના ડ્રાફ્ટ બજેટમાં ઇ-રિક્ષાનું ભૂત ધૂણ્યું છે.

વડોદરા પાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં ફરી એકવાર ઈ-રિકશાનું ભૂત ધૂણ્યું છે. પાલિકાએ શહેરની સાંકડી ગલીઓ સુધી પહોંચી ગાર્બેજ કલેક્શન ઇ-રિક્ષાનો ઉપયોગ કરવાનું નિર્ણય લઈ ઈવી પોલિસી અંતર્ગત 20 ટકા ઈ-રીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે કોર્પોરેશન દ્વારા પાંચ વર્ષ અગાઉ ઇ-રિક્ષાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને વર્ષ 2017થી અત્યાર સુધી 40થી વધુ ઇ-રીક્ષા કરોડોના ખર્ચે ખરીદી હતી. પરંતુ આ ઈ-રીક્ષા માત્ર એક વર્ષમાં જ બિનઉપયોગી બની ગઈ હતી અને પાલિકાના અલગ અલગ વર્ક શોપમાં ભંગાર હાલતમાં Not For Useના બોર્ડ સાથે ધૂળ ખાઈ રહી છે. ત્યારે ફરી એક વખત ડ્રાફ્ટ બજેટમાં ઈ-રિક્ષાનો પ્રસ્તાવ મૂકવામાં આવતા અધિકારીઓ અને સત્તાધીશો સામે ફરી એકવાર સવાલો ઉભો થયો છે.

આ અંગે નાગરિકો પણ કહી રહ્યા છે કે, હાલમાં સફાઈ કરતા કર્મીઓને સારી સુવિધા આપવાની જરૂર છે. અગાઉ પણ આ પ્રોજેક્ટનું બાળ મરણ થતા કરોડો રૂપિયાનો વેડફાટ થયો છે. ત્યારે કરોડોના ખર્ચે ખરીદેલી ઈ-રીક્ષા પાલિકા સાચવી ના શકી કે, આ ઈ-રીક્ષાનો ઉપયોગ કરી શહેરીજનો યોગ્ય સફાઈ કામગીરી પણ ના આપી શકી ત્યારે હવે વધુ નવી ઈ-રીક્ષાની ખરીદી કરી ભ્રષ્ટાચાર આચરી પ્રજાના વેરાના પૈસાનો વેડફાટ કરવાની કોઈ જરૂર નથી.

વિપક્ષે પણ આ પોલીસે સામે સવાલો ઊભા કર્યા છે અને પાલિકા નાગરિકોને ઉલ્ટા ચશ્માં પહેરાવી રહી હોવાના આક્ષેપ કર્યા હતા. પાલિકાએ પહેલા અભ્યાસ કરવાની જરૂર છે. કોર્પોરેશન પોતાના અણધડ વહીવટ માટે જાણીતું છે. ઈ-રીક્ષાથી પ્રજા અને કોર્પોરેશનને કેટલો ફાયદો થશે એ જોવું જરૂરી છે, પરંતુ હવે કોન્ટ્રાક્ટરોના ઇશારે અધિકારીઓ કામ કરી રહ્યા છે. બીજી તરફ વડોદરા કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અધિકારી ધર્મેશ રાણાના જણાવ્યા મુજબ, આ વખતે રજૂ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટમાં ઇવી પોલિસી અંતર્ગત 20 ટકા ઈ-વાહનો કોન્ટ્રાકટર જ પોતાના ખર્ચે ખરીદી કરશે અને આ વખતે નવીન ટેકનોલોજી વાળા વાહનો ખરીદશે જેથી લાંબો સમય ચાલી શકે.

મહત્વની વાત છે કે, આ વખતે કોન્ટ્રાકટર પૈસે ઈ-રીક્ષા ખરીદશે અને ચલાવશે ત્યારે ચોક્કસ અહીંયા આ પોલિસીથી કોન્ટ્રાકટર ટેન્ડરના ભાવ ઊંચા ભરી વાહનો ખરીદશે અને ચલાવશે. કોર્પોરેશન આ પ્રોજેક્ટ અમલમાં મૂકી શરૂ કરે તો તેનો ફાયદો કોને થશે અને કોને નુકસાન થશે તો આગામી સમયમાં જ ખબર પડશે.