કોંગ્રેસના સાંસદની બળાત્કારના આરોપમાં ધરપકડ, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી હતી

Congress MP Arreste: ગુરુવારે પોલીસે યુપીના સીતાપુરમાં રેપના આરોપી કોંગ્રેસ સાંસદ રાકેશ રાઠોડની ધરપકડ કરી હતી. સદર વિધાનસભા ક્ષેત્રની એક મહિલાએ સદર કોતવાલીમાં સીતાપુરના કોંગ્રેસના સાંસદ રાકેશ રાઠોડ પર યૌન શોષણનો આરોપ લગાવતા કેસ દાખલ કર્યો હતો.

શહેર કોતવાલી પોલીસે સાંસદની લોહરબાગ સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરી છે. સાંસદના પરિવારજનોના જણાવ્યા અનુસાર સાંસદ પત્રકાર પરિષદ યોજીને આત્મસમર્પણ કરવાના હતા. આ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી અને તેની ધરપકડ કરી.

બળાત્કારના આરોપી કોંગ્રેસ સાંસદ રાકેશ રાઠોડની આગોતરા જામીન અરજી પર બુધવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જજ રાજેશકુમાર સિંહની કોર્ટ દ્વારા આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી બાદ સિંગલ બેન્ચે સાંસદની અરજીને ફગાવી દીધી અને તેને બે સપ્તાહની અંદર આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. આ પહેલા સોમવારે સીજેએમ કોર્ટે સાંસદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (NBW) જારી કર્યું હતું.

નોંધનીય છે કે રેપ કેસમાં સાંસદને 25 જાન્યુઆરીએ બીજી નોટિસ આપવામાં આવી હતી. આ પછી તેને 27 જાન્યુઆરી સુધી સવારે 11 વાગ્યે પોલીસ સ્ટેશનમાં હાજર થઈને તેનું નિવેદન નોંધવાની તક આપવામાં આવી હતી. સોમવારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ન હતા. આ પછી પોલીસને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગૌરવ પ્રકાશની કોર્ટમાંથી ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.