વડાપ્રધાનના યુવાન ભત્રીજા સચિન મોદીને લાગ્યો મહાકુંભનો રંગ, વીડિયો વાયરલ
અમદાવાદઃ વિશ્વનો સૌથી મોટો મેળો એટલે મહાકુંભ. અહીં કરોડો શ્રદ્ધાળુએ પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાનનો લ્હાવો લઈ લીધો છે. ત્યારે આ કુંભ મેળામાં એજ્યુકેટેડ એવા ત્રણ યુવાનોનો ભક્તિ સંગીત ગાતો વીડિયો વાયરલ થયો છે. આ યુવાનો ભક્તિમાં લીન થઈને ગાતા ભજનો અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ યુવાનો પૈકી એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સગો ભત્રીજો સચિન મોદી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સગા ભત્રીજા સચિન પંકજભાઈ મોદી પ્રયાગરાજના મહાકુંભમાં કબીરના ભજનો ગાતા જોવા મળી રહ્યા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, વડાપ્રધાનનો ભત્રીજો હોવા છતાં એક સામાન્ય પરિવારમાંથી કોઈ કુંભના મેળામાં ગયું હોય એ જ રીતે સચિન મોદી કુંભ મેળામાં રમમાણ થયા છે.
ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો પ્રયાગરાજ તરફ યાત્રા કરી રહ્યા છે, મહાકુંભનો લાભ લઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાનના યુવાન ભત્રીજા સચિન મોદી પણ તેમાંથી બાકાત નથી. સચિન મોદી તેમના બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો સાથે મહાકુંભમાં પહોંચ્યા છે અને ભક્તિમય વાતાવરણમાં ભજનો લલકારતા જોઈ શકાય છે.
વડાપ્રધાનના સગા ભત્રીજા હોવા છતાં શાહી સ્નાન સમયે સચિન મોદી કુંભના મેળામાં એક સામાન્ય ભક્તની જેમ જ ભક્તિમય રીતે તલ્લીન થયા છે. ઉલ્લેખનીય છે કે, સચિન મોદી ‘શ્રીરામ સખા મંડળ’ નામના એક ભક્ત મંડળમાં સક્રિય છે. આ મંડળમાં ડોક્ટર, ચાર્ટડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર જેવા ટેકનોક્રેટ લોકો સામેલ છે. આ મંડળ અમદાવાદ ગાંધીનગરના વિવિધ કાફેટેરિયામાં જઈને દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરે છે, જેને પગલે અનેક યુવાનો આ મંડળમાં જોડાયા છે એ મોટી ઉપલબ્ધી છે.