પેલેડિયમ મોલ નજીક આતંક મચાવનારા વધુ 3 આરોપી ઝડપાયા, કુલ 8ની ધરપકડ
મિહિર સોની, અમદાવાદઃ શહેરના પેલેડિયમ મોલ નજીક તલવારો અને ઘાતક હથિયારોથી આતંક મચાવનારા વધુ 3 અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી છે. ફરિયાદીની માગેલી ખંડણી મામલે અદાવત ચાલતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપી પાસે રહેલી ફોર્ચ્યુનર ગાડી દિલ્હીથી કબજે કરી છે. વસ્ત્રાપુર પોલીસે અગાઉ આ મામલે પાંચ આરોપી ધરપકડ કરી હતી.
પેલેડિયમ મોલ પાસે અસામાજિક તત્વોના આતંક મામલે વસ્ત્રાપુર પોલીસે વધુ 3 આરોપી ધરપકડ કરી છે. પોલીસે આરોપી મિહિર દેસાઈ, પ્રિન્સ જાંગીડ, જીગર ઉર્ફે જીગ્નેશ દેસાઈ, પવન ઠાકોર અને કૈલાશ દરજી, રોહિત વણઝારા, પ્રેમ ભાટી અને દિનેશ વણઝારાની ધરપકડ કરી છે. વસ્ત્રાપુર પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, ફરિયાદી વિજય ભરવાડ અને આરોપી પ્રિન્સ જાંગીડને જૂની અદાવત ચાલતી હતી. જેમાં ફરિયાદી વિજય ભરવાડ વિરુદ્ધ સરખેજમાં ગુનો નોંધાયો છે અને તેને પ્રિન્સ પાસેથી 50 લાખની ખંડણી માગી હતી.
આ બાબતને લઈને આરોપી પ્રિન્સ કહેવું છે કે, વિજય ધમકી આપતો હતો, જેથી અદાવત માટે પ્રિન્સે અન્ય મિત્રો બોલાવીને હુમલો કર્યો હતો. આ બનાવની વાત કરીએ તો એસજી હાઇવે પર આવેલા પેલેડિયમ મોલમાં શુક્રવારે તલવારો અને ઘાતકી હથિયારો સાથે આતંક મચાવ્યો હતો. આ ઘટના મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં અગાઉ મહારાષ્ટ્રથી 5 આરોપીઓની ધરપકડ કરી છે. આમ કુલ અત્યાર સુધીમાં 8 આરોપી ઝડપાયા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પ્રિન્સ જાંગીડ અને ફરિયાદી વિજય ભરવાડ વચ્ચે છેલ્લા ધણા સમયથી તકરાર ચાલતી હતી. આરોપી પ્રિન્સ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં છે અને તેની પાસે વિજય ખંડણી માંગતો હોવાની ફરિયાદ સરખેજમાં નોંધાઈ છે. જેમાં વિજયને જામીન મળ્યા પછી પ્રિન્સ અને તેના મિત્રોએ બદલો લેવાની ધમકી આપી હતી. જેથી બંન્ને આરોપીઓ હથિયારો સાથે ફરતા હતા.
આ ઘટનાના દિવસે પણ આરોપીઓ ફોર્ચ્યુનર, ક્રેટા અને સ્કોર્પિયોમાં આવીને પેલેડિયમ મોલ પાસે ઊભા રહેલા વિજય ભરવાડ અને તેના મિત્રોને ટાર્ગેટ કરીને હુમલો કર્યો હતો. જેમાં આરોપી પ્રિન્સ અને મિહિર દેસાઈ સહિત 15થી વધુ લોકોએ તલવારો અને લાકડીઓથી હુમલો કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ આરોપી કારમાં મહારાષ્ટ્ર ફરાર થઈ ગયા હતા. પોલીસે હુમલામાં વપરાયેલી ફોર્ચ્યુનર કાર દિલ્હીથી કબજે કરી છે, જેમાં કારમાં રહેલા તીક્ષ્ણ હથિયાર કબજે કર્યા છે. આરોપી આતંક મચાવી રાજસ્થાન અને ત્યાંથી દિલ્હી જતા રહ્યા હતા. ત્યાં ગાડીને પાર્ક કરીને ફ્લાઇટથી ગોવા જતા રહ્યા હતા.
અંગત અદાવતમાં આંતક મચાવનારા મુખ્ય સૂત્રધાર સહિત 8 આરોપીની ધરપકડ કરીને પોલીસે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં હજુ 4 આરોપીઓ ફરાર હોવાથી તેઓની શોધખોળ શરૂ કરી છે.