January 5, 2025

દેશમાં રાષ્ટ્રીય શોક, રાહુલ ગાંધી ન્યૂ યર ઉજવવા વિદેશ ગયા; BJPનો આક્ષેપ

Rahul Gandhi Vietnam Visit: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને કારણે દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક છે. તેમના સ્મારકને લઈને રાજકીય ઉથલપાથલ ચાલુ છે. આ દરમિયાન રાહુલ ગાંધીના વિદેશ જવાનો મામલો સામે આવ્યો છે. ભાજપનું કહેવું છે કે, રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે ગયા છે. ભાજપે દાવો કર્યો છે કે, પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન પર સમગ્ર દેશ શોકમાં છે, ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી નવા વર્ષની ઉજવણી કરવા માટે વિયેતનામ જવા રવાના થઈ ગયા છે.

કોંગ્રેસ પાર્ટી પર ભાજપ દ્વારા આ બીજો તાજેતરનો હુમલો છે. આના એક દિવસ પહેલાં ભાજપે કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવાર પર મનમોહન સિંહનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. મનમોહન સિંહની અસ્થિ વિસર્જનમાં ગાંધી પરિવારના કોઈ સભ્યએ ભાગ લીધો ન હતો. મનમોહન સિંહની અસ્થિઓનું શનિવારે દિલ્હીમાં યમુના નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. જો કે, કોંગ્રેસે આને મનમોહન સિંહના પરિવારની ગોપનીયતા ગણાવી હતી.

અમિત માલવિયાએ શું કહ્યું?
સોમવારે નવો પ્રહાર કરતા BJP IT સેલના વડા અમિત માલવિયાએ કહ્યું, ‘એક તરફ આખો દેશ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પર શોકમાં છે અને બીજી તરફ રાહુલ ગાંધી નવા વર્ષની ઉજવણી કરવા વિયેતનામ જવા રવાના થઈ ગયા છે.’ રાહુલ ગાંધી પર પૂર્વ પીએમના મૃત્યુ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવતા અમિત માલવિયાએ કહ્યું કે, ‘ગાંધી અને કોંગ્રેસ શીખોને નફરત કરે છે. ઈન્દિરા ગાંધીએ દરબાર સાહિબને અપવિત્ર કર્યું હતું તે ક્યારેય ન ભૂલવું જોઈએ.’

કોંગ્રેસે શું આપ્યો ખુલાસો?
આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ ભાજપના આરોપો પર સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી વિદેશ પ્રવાસ પર ગયા છે અને પ્રાઈવસી સાથે જોડાયેલી બાબતોમાં કોઈને કોઈ સમસ્યા ન હોવી જોઈએ. કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કહ્યુ કે, ‘સાંઘી લોકો આ વિક્ષેપની રાજનીતિ ક્યારે બંધ કરશે? જે રીતે મોદીજીએ ડૉ. સાહેબને યમુના કિનારે અંતિમ સંસ્કાર માટે જગ્યા આપવાની ના પાડી અને તેમના મંત્રીઓએ ડૉ. સાહેબના પરિવારને જે રીતે ઘેરી લીધો તે શરમજનક છે. જો રાહુલ ગાંધી અંગત પ્રવાસે જાય તો તમને શું તકલીફ છે? હું ઈચ્છું છું કે નવા વર્ષમાં તમારું મન સારું રહે.’