December 26, 2024

બનાસકાંઠામાં મુસ્લિમ યુવકે હિંદુ યુવતીના પ્રેમમાં પત્નીને આપ્યા ત્રિપલ તલાક, પોલીસ ફરિયાદ નોંધાઈ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લામાં વધુ એક વખત ત્રિપલ તલાકની ઘટના સામે આવી છે. ધાનેરાની એક પરણીતાનો પતિ ગેરેજમાં કામ કરવાને બહાને પાલનપુર રહેવા આવ્યો અને પાલનપુરની એક હિંદુ યુવતી સાથે પ્રેમસબંધ બાંધી બે સંતાનોની માતાને ત્રણ વખત તલ્લાક તલ્લાક તલ્લાક કહી તલાક આપી દેતા બે સંતાનોની માતાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પહોંચી પતિ સહિત તેની હિંદુ પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપલ તલાકના કાયદાઓ પર અંકુશ લાવ્યા બાદ પણ હજુ પણ ત્રિપલ તલાકનું ભૂત બનાસકાંઠામાં ધૂણી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના અકતરશા રજબશા રાઠોડના લગ્ન થરાદની એક મુસ્લિમ સમાજની યુવતી સાથે સામાજિક રીતરિવાજ મુજબ થયા હતા. જો કે, આ બંનેના લગ્ન જીવન બાદ બે સંતાનોનો જન્મ પણ થયો હતો. બંનેના લગ્ન જીવન દરમિયાન અનેક વખત પતિ-પત્ની વચ્ચે પતિના આડાસબંધને લઇ તકરાર ચાલી જ રહી હતી. તે વચ્ચે અકતરશા પત્નીને ધાનેરા છોડી પાલનપુર રહેવા પહોંચી ગયો.

પતિ પત્નીને છોડી પાલનપુર પહોંચી જતા પત્નીને શંકા ગઈ અને પત્નીએ અકતરશાને પાલનપુર રહેવા જવા બાબતે ઠપકો આપ્યો હતો. તો પતિએ કહ્યું કે, હું ત્યાં ગેરેજમાં કામ કરું છું અને મારે ત્યાં જ રહેવું પડશે. શંકાના દાયરામાં રહેલી પત્નીએ પણ પાલનપુર રહેવા આવવાનું કહેતા પતિ અકતરશા 25 દિવસ અગાઉ પત્નીને પણ પાલનપુરના જામપુરા વિસ્તારમાં રહેવા લઈ આવ્યો. પત્ની પાલનપુર તો આવી ગઈ પરંતુ તેનો પતિ અકતરશા એક દિવસ ઘરે આવે તો એક દિવસ ના આવે.

પતિના આ કૃત્યને જોઈ પરણીતાને શંકા ગઈ અને પરણીતાએ પતિને પૂછ્યું તો પતિએ કહ્યું કે, મારે કામ હોય છે જેથી હું એક દિવસ ઘરે આવીશ તો એક દિવસ નહીં આવી શકું. જો કે, પત્નીએ પતિની તપાસ કરી તો પતિના પ્રેમ પિક્ચરનો પર્દાફાશ થઈ ગયો હતો. પત્નીને જાણ થઈ ગઈ કે, પતિ લક્ષ્મીપુરામાં કોઈ યુવતીને મળવા જાય છે. જેથી પત્ની થોડા દિવસ અગાઉ મોડી રાત્રે દીકરીને લઈ યુવતીના ઘરે પહોંચી ગઈ અને વહેલી સવારે 5:00 વાગે યુવતીના ઘરનો દરવાજો ખખડાવી ઘરમાં પહોંચી તો તેના પતિ અકતરશા પ્રેમિકા સાથે હતો. આ જોઈ પરણીતાના હોંશ ઉડી ગયા.

પરણીતાએ પતિને ઠપકો આપ્યો તો પતિ અને તેની પ્રેમિકાએ સાથે મળી પરણીતા પર હુમલો કર્યો હતો. તે જ સમયે પતિએ પત્નીને ત્રણ વખત તલ્લાક તલ્લાક તલ્લાક કહી ત્રિપલ તલાક આપી દીધા અને તે બાદ દીકરી અને પ્રેમિકાને લઈ ત્યાંથી ફરાર થઈ ગયો. જો કે, પતિના પ્રેમ પ્રકરણથી કંટાળેલી યુવતીએ સમગ્ર ઘટનાની જાણ તેના પિયરના લોકોને કરી અને તે બાદ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પહોંચી તેને ત્રિપલ તલાક આપનારા પતિ અકતરશા રાઠોડ સહિત પતિ પત્ની વચ્ચે તકરાર ઊભી કરનારી અકતરશાની પ્રેમિકા હિંદુ યુવતી સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે અત્યારે તો અકતરશા સહિત તેની પ્રેમિકા સામે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જો કે પ્રેમિકાના પ્રેમમાં ઘેલો બનેલો પતિ પત્નીને છોડી દીકરીને લઈ પ્રેમિકા સાથે ફરાર થઈ જતા પીડિત પરણીતા અત્યારે તો પોલીસ પાસે દીકરીને પરત લાવવા અને પતિ અને તેની પ્રેમિકા સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માગ કરી રહી છે.