December 23, 2024

આંખોમાં બળતરા… શ્વાસ લેવામાં મુશ્કેલી, દિલ્હી બન્યું ઝેરી; 7 વિસ્તારમાં AOI 450ને પાર

Delhi: દિલ્હીની હવામાં પ્રદૂષણ સતત ચિંતાનો વિષય છે. પ્રદૂષિત હવાના કારણે લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં ગૂંગળામણ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 450થી ઉપર નોંધાયો હતો. બવાનાનું સર્વોચ્ચ AQI સ્તર 475 નોંધાયું હતું, જે અત્યંત ગંભીર શ્રેણીમાં આવે છે. દિલ્હીમાં 16 ડિસેમ્બરથી GRAP-4 નિયમો લાગુ છે. પરંતુ દિલ્હીની હવામાં કોઈ સુધારો દેખાતો નથી.

દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક 400ને પાર કરી ગયો છે. CPCBની સમીર એપ અનુસાર, સોમવારે સવારે 6 વાગ્યે, દિલ્હીના 36 પોલ્યુશન મોનિટરિંગ કેન્દ્રોમાંથી 25નો હવા ગુણવત્તા સૂચકાંક 400થી ઉપર નોંધાયો હતો. GRAP-4 નિયમોના અમલ સાથે, દિલ્હીમાં ઘણા કામો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. GRAP-4ના કારણે દિલ્હીમાં કન્સ્ટ્રક્શન વર્ક પર પ્રતિબંધ છે. આ ઉપરાંત શાળાઓને પણ હાઇબ્રિડ પર ચલાવવા માટે કહેવામાં આવ્યું છે.

દિલ્હીના 7 વિસ્તારોનો AQI 450થી વધુ નોંધાયો છે. જેમાં બવાના-475, રોહિણી-468, વજીરપુર-464, અશોક વિહાર-460, સોનિયા વિહાર-456 અને જહાંગીરપુરી-453નો સમાવેશ થાય છે. આ સાથે દિલ્હીના કુલ 25 વિસ્તારોનો AQI 400થી ઉપર નોંધાયો છે. જે પોતે જ ગંભીર ચર્ચાનો વિષય છે. આ સિવાય આનંદ વિહારનો હવા ગુણવત્તા સૂચકાંક 443, બુરારી-445 અને આરકે પુરમનો AQI 429 નોંધવામાં આવ્યો છે.