સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો, 7.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. ત્યારે મોટાભાગના જિલ્લાઓમાં ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. લોકો ઠંડીથી રાહત મેળવવા માટે તાપણાં અને કસરતના સહારે છે. તો ઘણાં લોકો વહેલી સવારથી ગાર્ડનમાં કસરત માટે આવી રહ્યા છે.
રાજ્યના 18 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે. ઉત્તર પૂર્વમાંથી ફૂંકાતા પવનોને કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. નલિયા 7.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે.
અન્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં 14.0 ડિગ્રી, ગાંધીનગરમાં 11.0 ડિગ્રી, વડોદરામાં 12.0 ડિગ્રી, રાજકોટમાં 11.0 ડિગ્રી, ડીસામાં 9.9 ડિગ્રી, વેરાવળમાં 18.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
આ ઉપરાંત દ્વારકામાં 16.4 ડિગ્રી, સુરતમાં 15.2 ડિગ્રી, કેશોદમાં 11.5 ડિગ્રી, અમરેલીમાં 9.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.4 ડિગ્રી, ભાવનગરમાં 12.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.