December 16, 2024

BZ કાંડ જેવા અન્ય એક કાંડની આશંકા, રોકાણકારોના રૂપિયા ચાઉં કર્યાનો આક્ષેપ

અમદાવાદઃ ગુજરાતમાં પોન્ઝી સ્કિમના રાફડો ફાટી નીકળ્યો હોય તેમ એકપછી એક સ્કેમ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક BZ જેવા જ કાંડની આશંકા સેવાઈ રહી છે. અમદાવાદની યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા રોકાણકારોના પૈસા ચાઉં કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

લોકોએ ફિક્સ ડિપોઝીટની રકમ પાકતી મુદતે ન આપી છેતરપિંડી કર્યાનો આક્ષેપ કર્યો છે. જામનગરના 30 જેટલા લોકો યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયાની ઓફિસે પહોંચ્યા હતા. 3-3 વર્ષથી FD પાકી ગઈ હોવા છતાં રૂપિયા પરત ન આપતા હોવાની ફરિયાદ કરી છે. રોકાણકારોનું કહેવું છે કે, વારંવાર અમદાવાદના ધક્કા ખાધા બાદ માત્ર આશ્વાસનો જ મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જામનગરમાં આવેલી યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયાની ઓફિસ પણ બંધ કરી દેવામાં આવી છે. BZની જેમ યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા દ્વારા રોકાણ કરાવનારા એજન્ટોને કમિશન આપવામાં આવતું હતું. ફેબ્રુઆરી મહિનામાં 3-6 મહિનામાં રકમ ચૂકવી આપવા પણ લેખિતમાં બાંહેધરી આપવામાં આવી હતી.

આ મામલે નવેમ્બર મહિનામાં રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકે ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. FDની રકમ પાકતી મુદતે ન આપી 5.20 લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.