December 16, 2024

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધોરડોમાં રણોત્સવનો પ્રારંભ, કહ્યુ – ત્રણેય કુદરતી સંપદા ધરાવતો એકમાત્ર જિલ્લો

કચ્છઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડોમાં રણોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મુળુ બેરાએ રણોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. CMએ ધોરડોના સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

કચ્છ વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. CMના હસ્તે ભારતીય ટપાલ વિભાગના રણોત્સવ 2024-25 થીમ આધારિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં CMએ સ્પેશ્યિલ પોસ્ટલ કવરનું વિમોચન કર્યું હતું. CMએ અને પ્રવાસન મંત્રીએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કચ્છી સંસ્કૃતિ આધારિત વિવિધ પ્રસ્તુતિઓ નિહાળી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે, ‘કચ્છ રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો છે અને આ સાથે અનેક લોકોના સામાજિક અને આર્થિક વિકાસ માટે કચ્છનો રણોત્સવ સારું માધ્યમ બન્યું છે. દેશ-વિદેશથી કચ્છ રણોત્સવને માણવા આવતા લાખો સહેલાણીઓને કારણે સ્થાનિક લોકો માટેનું નોંધપાત્ર આવકનું સ્ત્રોત ઉભું થયું છે. કચ્છ રણોત્સવનું ક્રાફ્ટ બજાર ગ્રામીણ મહિલાઓ માટે આર્થિક સશક્તિકરણનું મહત્વનું પરિબળ બન્યું છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘કચ્છના રણોત્સવમાં દર વર્ષે નવા નવા આયામો ઉમેરવામાં આવી રહ્યા છે. આ વર્ષે અમદાવાદથી કચ્છ રણોત્સવ સુધી સીધી બસ સેવા શરૂ કરવામાં આવી છે. રણ, દરિયો અને ડુંગર ત્રણેય કુદરતી સંપદા ધરાવતો ગુજરાત એકમાત્ર જિલ્લો કચ્છ છે.’