ગીર પંથકમાં આંબા પર ફ્લાવરિંગ આવતા ખેડૂતો ખુશખુશાલ, પાક સારો આવવાની શક્યતા
અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ તાલાલા સહિત ગીર પંથકમાં આ વર્ષે કેરીનો સારો પાક આવે તેવી શક્યતા છે. સિઝનની શરૂઆતમાં આંબા પર સારા પ્રમાણમાં મોર આવતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
તાલાલા પંથકમાં વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીની ખેતી ખુબ મોટા પ્રમાણમાં થાય છે. જેને લઈને આ વિસ્તાર સમગ્ર વિશ્વમાં જાણીતો છે. ગત વર્ષે પણ કેરીની સિઝન સારી ચાલી હતી. તેને કારણે ખેડૂતોને પણ સારા બજારભાવ મળ્યા હતા. ચાલુ વર્ષે પણ આંબામાં પુષ્કળ પ્રમાણમાં મોર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
ગીરની કેસર કેરી વિશ્વવિખ્યાત છે. મોટેભાગે ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન આંબામાં ફ્લાવરિંગ થતું હોય છે. વર્તમાન સમયે સમયસરનું ફ્લાવરિંગ શરૂ થયું છે. જે ખેડૂતો કલટાર પાઈને આંબાને વહેલા ફૂટવા મજબૂર કરે છે. પરંતુ તે યોગ્ય નથી. કલટારના કારણે ફ્લાવરિંગ વહેલું આવે છે. પરંતુ આના કારણે આંબાની આવરદા ઘટે છે. આ સાથોસાથ હવામાન બદલાય તો આ ફ્લાવરિંગ બળી જવાની સંભાવના ઉભી થાય છે.
ગત વર્ષે તાલાલા સહિત ગીર પંથકમાં અંદાજિત 8 લાખ કરતાં પણ વધુ કેરીના બોક્સની આવક થવા પામી હતી. જેની સામે છેલ્લા 5 વર્ષના સર્વોત્તમ બજારભાવ ખેડૂતોને મળ્યા હતા. જેને લઈને ખેડૂતોમાં પણ કેરીના પાકને લઈને આશાઓ વધુ ઉજળી બની. ખેડૂત પુત્રનું કહેવું છે કે, જે ગયા વર્ષ કરતાં આ વર્ષે જો વાતાવરણ અનુકૂળ રહે તો વધુ કેરીનો રસ બનવી વેચી શકાશે. જો વાતાવરણ સારું રહે અને શિયાળા દરમિયાન માવઠું ન થાય તો ચાલુ વર્ષે પણ કેરીના રસિકોને કેરીનો ટેસ્ટ અને કેરીની ખેતી કરતા ખેડૂતોને પણ સારા બજાર ભાવો મળી રહેશે.