January 6, 2025

જેતપુરના ઝેરી પાણીની પોરબંદરમાં નીકળશે અંતિમયાત્રા

સિદ્ધાર્થ, પોરબંદર: જેતપુરના કેમિકલ યુક્ત પાણીને પોરબંદર નજીકના દરિયામાં ઠાલવવાની યોજનાને સરકારની મંજુરી મળી ગઈ છે. ત્યારે પોરબંદર સી કમિટી દ્વારા આગામી રવિવારે જેતપુરના ઝેરી પાણીની અંતિમયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોને જોડવા આહ્વાન કરાયું છે.

પ્રોજેક્ટનો વિરોધ
જેતપુર ખાતે આવેલ ઉદ્યોગોના પાણી પોરબંદર નજીક આવેલ ગોસા ગામના દરિયામાં પધરાવવાની યોજનાને મંજુરી મળી ગઈ છે. જેથી હવે જેતપુર થી ગોસા સુધીની જમીન પર પાઈપલાઈન બીછાવવાની કામગીરી શરુ થશે. આ પાઈપલાઈન બિછાવવા માટે જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરાઈ છે. તે અંતર્ગત જે ખેડૂતોની જમીન પર પાઈપલાઈન નાંખવામાં આવી છે. તેના સર્વે નંબર પણ જાહેર થયા છે. આ જમીનના માલિકો પાસેથી 30 દિવસમાં વાંધા સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. યોજના શરુ થવાના એંધાણ વર્તાતા પોરબંદરમાં છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલ સેવ પોરબંદર સી કમિટી દ્વારા આગામી રવિવારે નવતર આયોજન કરાયું છે. જેતપુરની ડાઈંગ મિલોનું ઝેરી પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં રાખવા માટેની યોજના માટેની તમામ મંજૂરીઓ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે આપી છે. પોરબંદર સી આ યોજનાના અટકાવવા માટે છેલ્લા સાડા ત્રણ વર્ષથી ખૂબ સંઘર્ષ કરી રહી છે.

આ પણ વાંચો: અમરેલીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ પરંતુ ખેડૂતોની જ યાર્ડમાં ગેરહાજરી

ઝેરી પાણીની સ્મશાનયાત્રા
સંસ્થાના નુતનબેન ગોકાણીએ લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે સૌ માટે કાળમુખા સમાં જેતપુરના ઝેરી પાણીની સ્મશાનયાત્રા કાઢવાની હોવાથી સૌને સહ કુટુંબ મિત્રમંડળ સહિત આ અંતિમ યાત્રામાં જોડાવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે. તમામ માટે મુશ્કેલી સર્જનાર આ પ્રોજેક્ટના વિરોધ સાથે સ્કૂટર રેલી રૂપે સૌ નરસંગ ટેકરી પર મળશે. ત્યાંથી એસટી સ્ટેન્ડ પાસેના હેલ્મેટ સર્કલ થઈને ઈન્દ્રેશ્વર મંદિર સ્મશાન જઈ ત્યાં ચિતા પર અગ્નિદાહ દેવામાં આવશે જેતપુરથી આવેલ ભાદર નદીનું ઝેરી પાણી અને જેતપુરના બોરનું પ્રદૂષિત પાણી આ સમયે “રથ” માં હાજર હશે જેથી લોકો જોઈ શકશે કે ભવિષ્યમાં પોરબંદરનો દરિયો કેવો હશે. આ અંતિમયાત્રામાં સૌ ડાઘુઓએ કાળા કપડાં પહેરવાના અને સ્કૂટર ચલાવનારાએ ફરજિયાત હેલ્મેટ પહેરવી,રસ્તા પર લોકો સુખડની માળા લઈને આ મૃતદેહ પર ચડાવી શકે તેવી સગવડ પણ રાખવામાં આવશે.