‘અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી’, ઈન હાઉસ મેડિકલ સ્ટોરને લઈ જાહેર કર્યો પરિપત્ર
Ahmedabad: ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ઈન હાઉસ મેડીકલ સ્ટોરના સંચાલકો માટે પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, ઈન હાઉસ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા ફરજ ન પાડી શકાય તેવો પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે. આ સિવાય મેડિકલ સ્ટોરની બહાર બોર્ડ ફરજિયાતપણે લગાવવું પડશે કે આ હોસ્પીટલ દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી તેવુ બોર્ડ લગાવવું પડશે.
મળતી માહિતી અનુસાર રાજ્યમાં આવેલ હોસ્પિટલો ખાતે આવેલ ઇન હાઉસ મેડીકલ સ્ટોર પર-“આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી ” તેવા સાઈન બોર્ડ લગાવવા પડશે. રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જેને લઈને ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશ્નર ડૉ.એચ.જી.કોશિયા જણાવે છે કે તંત્રના ધ્યાન ઉપર આવ્યા મુજબ રાજ્યમાં આવેલ હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડીકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે. જેથી દર્દીઓ જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજો સહન કરવો પડે છે.
આ પણ વાંચો: સંભલમાં 46 વર્ષ પછી ખુલ્યું મંદિર, પોલીસકર્મીઓએ કરી શિવલિંગની સફાઈ
જેથી જાહેર જનતાના હિતમાં તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડીકલ સ્ટોરના સંચાલકોને -“આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી ” તેવા સાઈન બોર્ડ પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવેલ છે. જેથી દર્દીઓ સરળતાથી કોઈપણ મેડીકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે.