November 26, 2024

સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર પોલીસકર્મીનો હુમલો, ફરિયાદ નોંધાઈ

રાજકોટઃ સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલો કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે આરોપી પોલીસકર્મી PI સંજય પાદરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તાલુકા પોલીસ મથકે આ મામલે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધવામાં આવી છે.

સરદારધામ અને ખોડલધામ વચ્ચે શું છે વિવાદ?
બંને સંસ્થા પાટીદારની સંસ્થા છે. પાટીદારના વ્યવસ્થાને કંટ્રોલ કરી આર્થિક પરિબળ મજબૂત કરવા સરદારધામ સંસ્થા બનાવાવમાં આવી હતી. ખોડલધામ સંસ્થાના ચેરમેન નરેશ પટેલ સામે કોઈ અન્ય પાટીદાર આગેવાનનું વર્ચસ્વ વધે તે માટે સરદારધામ સંસ્થા કાર્યરત કરવામાં આવી હોવાની ચર્ચા છે. ખોડલધામથી નારાજ પાટીદાર અગ્રણીઓ સરદારધામ સંસ્થામાં જોડાયા હતા. નરેશ પટેલ સાથેના તેના ફોલોવર્સનું ગ્રુપ સરદારધામમાં નથી જોડાયું. જયંતિ સરધારા સરદારધામમાં ઉપપ્રમુખ તરીકે જોડાતા ખોડલધામ અગ્રણીઓ પણ નારાજ થયા હતા.

શું છે સમગ્ર મામલો?
ગઈકાલે રાતે સરદારધામના ઉપપ્રમુખ અને બીજેપી અગ્રણી પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે ખાનગી હોસ્પિટલ ખાતે પાટીદાર અગ્રણી અને બીજેપી અગ્રણી પહોંચ્યા છે. ખોડલધામ સાથે સંકળાયેલા PIએ હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જૂનાગઢમાં ફરજ બજાવતા PI સંજય પાદરીયાએ હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જયંતિ સરધારાને સરદારધામના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપવાનું કહી હુમલો કરવામાં આવ્યો હતો. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ હિરપરા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલમાં પહોંચ્યો છે. પોલીસ દ્વારા જયંતિ સરધારાનું નિવેદન લેવામાં આવ્યું છે.