ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના વિદ્યાર્થીના મોત બાદ એન્ટિ રેગિંગ ટીમ સક્રિય, પૂછપરછ ચાલુ
પાટણઃ જિલ્લાની ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષના વિદ્યાર્થીના મોતને લઈને મેડિકલ કોલેજના સત્તાધીશો અર્થમાં આવ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો સુરેન્દ્રનગર જિલ્લાના જેસડા તાલુકાના અનિલ મેથાણીયાનું રેગિંગના કારણે મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. જેને લઈને ધારપુર મેડિકલ કોલેજના સત્તાધીશો હરકતમાં આવ્યા છે. આ બાબતે મેડિકલ કોલેજમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
કોલેજની એન્ટી રેગિંગ કમિટીના સિનિયર ડોક્ટરો દ્વારા બંધ બારણે 11 જેટલા જુનિયર અને 16 જેટલા સિનિયર વિદ્યાર્થીઓની વન બાય વન પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછના અંતે રિપોર્ટ સબમિટ કરવામાં આવશે અને આ રિપોર્ટમાં યુવકનું મોત રેગિંગના કારણે થયું હોવાનો પુરવાર થશે તો સિનિયર વિદ્યાર્થીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.