November 25, 2024

રાજકોટમાં રોગચાળો વકર્યો, એક જ સપ્તાહમાં ડેન્ગ્યુના 19 કેસ, બે મહિનામાં 175 કેસ

રાજકોટ: દિવાળી પૂર્ણ થતાંની સાથે જ ગુજરાતનાં અનેક મોટા શહેરોમાં ડેન્ગ્યુ સહિતની બિમારીઓના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રંગીલા રાજકોટમાં પણ ડેન્ગ્યુના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. રાજકોટ મહાનગર પાલિકાના ચોપડે છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના કેસ ખાસ્સા વધી ગયા છે.

જાણવા મળી રહ્યું છે કે RMCના ચોપડે છેલ્લા એક સપ્તાહમાં 19 કેસ નોંધાયા છે. તો છેલ્લા બે મહિનામાં ડેન્ગ્યુના 175 કરતાં વધારે દર્દીઓ RMCના ચોપડે નોંધાયા છે. એટલું જ નહીં, શરદી ઉધરસ તાવ, ઝાડા-ઉલ્ટી અને ચિકનગુનિયાના કેસમાં પણ વધારો જોવામાં આવ્યો છે. સરકારી આંકડા મુજબ, એકલા રાજકોટમાં શરદી-ઉધરસનાં 766 કેસ, સામાન્ય તાવના 565 કેસ, ચિકનગુનિયાનો 1 અને ઝાડા-ઉલ્ટીના 115 કેસ નોંધાયા છે.

તો, દિવાળીનાં તહેવારો દરમિયાન વિવિધ રોગોનાં કુલ 1,466 કેસ જોવા મળ્યાં હતા. ત્યારે, દિવાળી પૂરી થતાંની સાથે જ રોગચાળો વધતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારી જયેશ વકાણીનું માનવું છે કે ઋતુ બદલાતા રોગચાળામાં વધારો થતો જોવા મળતો હોય છે.