November 22, 2024

દાહોદ APMCના ડાયરેક્ટરની ધરપકડ, જમીન કૌભાંડ કેસમાં કાર્યવાહી

દાહોદઃ બહુચર્ચિત નકલી NA પ્રકરણમાં આજરોજ દાહોદ પોલીસે APMC ના ડાયરેક્ટરની ધરપકડ કરી જેલભેગો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. APMCના ડાયરેક્ટર દ્વારા કાળી તળાઈ નજીક આવેલી જમીનમાં NAના બનાવટી હુકમને સરકારી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરાવી જમીન કૌભાંડ આચર્યું હતું. ત્યારે આ મામલે અટકાયત કરી તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ઉપરોક્ત એપીએમસીના ડાયરેક્ટરના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, દાહોદ સહિત સમગ્ર ગુજરાતને હચમચાવતો જમીન કૌભાંડ જેમાં NA તેમજ 73 AAના બનાવટી હુકમોને સરકારી કચેરીઓમાં સાચા તરીકે રજૂ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવી એક તરફ સરકારના પ્રીમિયમની ચોરી કરી હતી. તો બીજી તરફ ઉપરોક્ત જમીનોનો વેચાણ કરી મોટાભાગના ઈસમોને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાના આ પૂર્વ આયોજિત કાવતરામાં અત્યાર સુધીમાં નોંધાયેલી ચાર ફરિયાદોમાં કુલ 112 જેટલા લોકો સામે નામજોગ ગુના દાખલ થયા છે. તેમજ આ લોકોની ધરપકડ કરી જેલભેગા કરી દેવામાં આવ્યા છે.

ઉપરોક્ત જમીન કૌભાંડમાં શંકાસ્પદ તરીકે જાહેર થયેલા સરવે નંબરોમાં હાલ પોલીસ દ્વારા નિવેદનો લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. તે અરસામાં દાહોદ પોલીસે એપીએમસીના ડાયરેક્ટર નિલેશ બળદવાલની ગઈકાલે ધરપકડ કરી છે. આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ઉપરોક્ત એપીએમસીના ડાયરેક્ટર દ્વારા દાહોદ તાલુકાના કાળી તળાઈ નજીક આવેલી પ્રેમીનું સરવે નંબર 31/10માં બોગસ NAના હુકમના આધારે ખોટી એન્ટ્રી બનાવી સરકારના પ્રીમિયમની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, આ જમીન પ્રકરણમાં ધરપકડ કરાયેલા નિલેશ બળદવાલ રિમાન્ડ દરમિયાન કેવા ખુલાસા કરે છે તે જોવું રહ્યું.