November 1, 2024

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાયો મારુતિ યજ્ઞ, કેન્દ્રીય ગૃહમંત્રીએ આપી વિશેષ હાજરી

બોટાદ: સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદસના પાવન પર્વે મારુતિ યજ્ઞ યોજાયો હતો. મારુતિ યજ્ઞમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો કષ્ટભંજન દેવના દર્શન કરી ગૃહમંત્રી અમિત શાહે આશીર્વાદ મેળવ્યા હતા. તો મંદિર ખાતે નિર્માણ પામેલ નૂતન 1100 રૂમના અત્યાધુનિક સુવિધા સભર યાત્રિક ભવનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. ત્યારબાદ મંદિર પરિસર ખાતે સભા યોજાઈ જેમાં સંતોએ ગૃહમંત્રીનું સન્માન કર્યું હતું.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજરોજ કાળી ચૌદસના દિવસે અનેકવિધ કાર્યક્રમોનું વિશેષ આયોજન કરાયું હતું. જેમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હેલિકોપ્ટર મારફતે અમિત શાહ સાળંગપુર પહોંચ્યા હતા અને બાદમાં મંદિર ખાતે નવનિર્મિત 200 કરોડથી વધુ રકમના ખર્ચે તૈયાર કરાયેલ 8 માળના 1100 રૂમ ધરાવતા અત્યાધુનિક સુવિધા સભર શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનૂં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

વધુમાં મંદિર ખાતે આજે વિશેષ સમૂહ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં 546 યજ્ઞકુંડમાં ભાવિકોએ યજ્ઞ કર્યો હતો. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરી પૂજન અર્ચન કર્યું હતું. તો મંદિર પરિસરમાં વિશેષ સભાનું આયોજન કરાયું હતું. જેમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી સહિતના અનેક ધામો અને મંદિરો થી પધારેલ સંતો દ્વારા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનું પુષ્પમાળા અને છબી ભેટ કરી સન્માન કરવામાં આવ્યું હતું. તો સાળંગપુર ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજ સમાધિ સ્થાન ખાતે દર્શન કર્યા હતા. સમગ્ર કાર્યક્રમને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો મંદિર ખાતે વિશેષ સાજ શણગાર સજાવવામાં આવ્યા હતા. તો કષ્ટભંજન દેવને 56 ભોગ મીઠાઈનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિકો દર્શને ઉમટી પડ્યા હતા.