October 31, 2024

સિંહોની પજવણી અટકાવવા ગીરના જંગલ વિસ્તારમાં વન વિભાગનું પેટ્રોલિંગ

દશરથસિંહ રાઠોડ, અમરેલી: ગીર પૂર્વ વન વિભાગ સ્ટાફ દ્વારા દિવાળીના તહેવારને લઈને સઘન પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું અને તહેવારને લઈને બહારથી આવતા લોકો ગીર જંગલ અને રેવન્યુ વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કે સિંહોની પજવણી ન કરે, તેમજ જંગલ વિસ્તારમાં પ્રવેશ ન કરે તેની તકેદારી રૂપે વન વિભાગ દ્વારા અલગ અલગ ટિમો બનાવી ગીરની તમામ ચેકપોસ્ટ અને નાકા પર વન વિભાગનો સ્ટાફ હાજર રહી સતત ફેરણા કરશે અને ગુનાહિત પ્રવૃત્તિ કરનાર સામે કાર્યવાહી કરશે.

વન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ દિવાળીના તહેવારોને લઈને 15 દિવસનું ખાસ પેટ્રોલિગ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં 24 કલાક દિવસ-રાત પેટ્રોલીંગ કરી તમામ વન વિભાગનો સ્ટાફ પોતાના કાર્યક્ષેત્રમાં રહી અને તમામ નાકા અને ચૅકપોસ્ટ પર અધિકારીઓ હાજર રહેશે. જવાબદાર સ્ટાફ ફેરણા કરશે અને અવાર-નવાર લાયન-શો અને સિંહ પજવણી બનાવો સામે આવતા હોય છે. ત્યારે વન વિભાગ દ્વારા આવા બનાવો ન બને તેની ખાસ તકેદારી લેવામાં આવશે.

ગીરમાં વન વિભાગનો સ્ટાફ છે જે દિવાળીના તહેવાર પોતાના ઘરે નથી કરતો અને જંગલ અને ગીરમાં પોતાની નોકરીની ફરજ પર હાજર રહીને દિવાળી મનાવે છે અને દિવાળીના તહેવાર પર બહારથી આવતા લોકો રજાને લઈને ગેરકાયદે સિંહ દર્શન કે સિંહોની પજવણી અને જંગલ વિસ્તારમાં કોઈ પ્રવેશ ન કરે તેની વોચ વન વિભાગનો સ્ટાફ રાખતું હોય. આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરે છે.

દિવાળીના તહેવારને લઈને રજાઓ પસાર કરવા લોકો ગીર તરફ આવતા હોય છે અને જંગલ વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરતા હોય તેમજ ગેરકાયદે સિંહ દર્શન જેવા કે સિંહોની પંજવણી, સિંહોની પાછળ ગાડી દોડાવવી, લાઈટો કરી સિંહોને પરેશાન કરવા સહિતની ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો ચેતી જજો અને વન વિભાગ દ્વારા દિવાળી તહેવારને લઈને વન વિભાગ દ્વારા રાત – દિવસ 24 કલાક સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે ગીર અને જંગલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર કાયદાનો ભંગ કરનાર સામે વન વિભાગ કાર્યવાહી કરશે.