October 27, 2024

28મીએ PM મોદીના હસ્તે અમરેલીમાં ભારત માતા સરોવરનું લોકાર્પણ

ગાંધીનગરઃ લાઠીના દુધાળામાં આગામી તારીખ 28મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ 2017માં ગાગડીયા નદી પર હરિકૃષ્ણ સરોવરનું નિર્માણ કરેલું હતું, જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમરેલીમાં 17/11/2017ના રોજ વીડિયો કોન્ફરન્સથી લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન ગાગડીયા નદી પર ભારત માતા સરોવરનું નિર્માણ કરી અને વડાપ્રધાન દ્વારા નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો.

આ બાદ સાત વર્ષ પછી આગામી તારીખ 28મીના રોજ પૂરો થશે, જેથી આવી જ રીતે ધોળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ગાગડીયા નદી પર દાદાના સરોવરનું નિર્માણ કર્યું હતું. તેનું લોકાર્પણ મોરારિબાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આવી જ રીતે બાના સરોવરનું લોકાર્પણ રમેશભાઈ ઓઝાના હસ્તે કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ નારણ સરોવરનું લોકાર્પણ તાત્કાલિક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લુવારિયા નજીક યુનાઈટેડ નેશન્સ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેનું લોકાર્પણ દેશના 14મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગુજરાત રાજ્યના મહામહિમ આચાર્ય દેવવ્રતના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભેંસાણ નજીક ગોવિંદકાકા ધોળકિયા સરોવરનું નિર્માણ કરી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે યુએન સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા હરસુર પુર દેવળીયાથી લીલીયાના ક્રાંકચ સુધી ગાગડીયા નદી પર ચાલી રહેલા જળસંચયની કામગીરીની સમીક્ષા કરી અને કામગીરીની પ્રસંશા કરી હતી.

ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ગાગડિયા નદી પર સરોવરની હારમાળા સર્જી દીધી છે. 50 કરતાં વધારે સરોવરનું ગાગડીયા નદી પર સર્જન કરવામાં આવ્યું છે. જેને લઇને 100 કરતાં વધારે ગામોને જળસ્રોતનો ફાયદો નોંધાયો છે. જેથી મોટાભાગના ખેડૂતોને ખેતીમાં ત્રણ પાક લેતા થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.