October 26, 2024

ગુજરાતમાં ગુનાખોરી વધી કે અંકુશમાં? જેલમાં કેદીઓનો ભરાવો

અમદાવાદ: ગુજરાતની જેલોને લઈ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેના પરથી એક સવાલ ચોક્કસ થાય કે ગુજરાતમાં ગુનાખોરી અંકુશમાં આવી છે કે વધી ગઈ છે. રાજ્યમાં વધી રહેલી ગુનાખોરી વચ્ચે જેલોમાં કેદીઓનો ભરાવો થયો હોય તેવું આંકડાઓ પરથી જણાઈ રહ્યું છે. ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલ રિપોર્ટમાં 31 માર્ચ 2024ની સ્થિતિએ રાજ્યની જેલોનો રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં રાજ્યની 28 જેલોની સ્થિતિ અને જેલમાં કેદીઓની સંખ્યા અને કેદીઓના હાલના આંકડાને લઈને માહિતી આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ગુજરાતની જેલોને લઈ ચોંકાવનારા આંકડા સામે આવ્યા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની 28 જેલોમાં કેપેસિટીની સામે 119% વધુ કેદીઓ જેલમાં સજા ભોગવી રહ્યા છે. રાજ્યની 28 જેલોમાં કુલ 14062 કેદીઓની ક્ષમતા સામે હાલ 16737 કેદીઓ જેલમાં સજા કાપી રહ્યા છે. રિપોર્ટમાં રાજ્યની જેલોની કેપીસીટીને લઈને જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ જેલમાં કેપેસિટીના 174% કેદીઓ,જૂનાગઢ જેલમાં કેપેસિટીના 188% કેદીઓ, વડોદરા 142%, અમદાવાદ સેન્ટ્રલ જેલ 129%, પોરબંદર જેલમાં 141% કેદીઓ સજા કાપી રહ્યા છે.

રિપોર્ટમાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ક્ષમતા કરતા 129% વધુ કેદીઓ છે. એટલે કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં 2846 ક્ષમતા સામે હાલ 3664 કેદી સજા કાપી રહ્યા છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે સાબરમતી જેલમાં અંડર ટ્રાયલ 2147 પુરુષ કેદી અને 91 મહિલા કેદી, કન્વિકટ કેદીમાં 1361 પુરુષ અને 38 મહિલા કેદી સજા કાપી રહ્યા છે.

તો, વડોદરા સેન્ટ્રલ જેલમાં 1165 કેદીઓની ક્ષમતા સામે 1652 કેદીઓ સજા કાપી રહ્યા છે. ગોધરા સબ જેલમાં 165 કેપેસિટી સામે કુલ 315 કેદીઓ સજા કાપી રહ્યા છે. નવસારી જિલ્લા જેલમાં 290 કેદીઓની કેપેસિટી સામે કુલ 374 કેદીઓ સજા કાપી રહ્યા છે. તો, એક માત્ર રાજપીપળા જેલમાં ક્ષમતા કરતા ઓછા કેદીઓ છે. રાજપીપળા જિલ્લા જેલમાં 347 કેદીઓની કેપેસીટી સામે 115 કેદીઓ સજા કાપી રહ્યા છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે SOPના માધ્યમથી ગુજરાત હાઇકોર્ટ, સરકાર અને GSLSA સતત પ્રયત્નશીલ.