November 22, 2024

ચાઇનીઝ દિવડાઓને ટક્કર આપતા ગોધરાના પ્રજાપતિ સમાજના કલાત્મક દિવડાઓ

પંચમહાલ: દિવાળીમાં અજવાળું પાથરતા દિવડાઓના બજારમાં છેલ્લા કેટલાંક વર્ષોથી ચીની બનાવટના દીવાની અતિક્રમણ થતાં દીવા બનાવતા પ્રજાપતિ પરિવારનો ધંધો બંધ થવાની સ્થિતિમાં આવી ગયો હતો. પરંતુ, કહેવાય છે કે અડક મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આવી જ રીતે ગોધરાના પ્રજાપતિ સમાજે ચીની દિવડાઓને ટક્કર આપે તેવા ડિઝાઇનર દીવા બનાવવાનું શરૂ કરી દીધું છે.

દિવાળીનો તહેવાર હિંદુઓનો સૌથી મોટો તહેવાર કહેવાય છે. દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે અમાસ હોવા છતાં હિન્દુઓ દીવડાઓના પ્રકાશથી સર્વત્ર અજવાળું કરી દેતા હોય છે. કહેવાય છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ દ્વારા લંકાના રાજા રાવણનો વધ કર્યા બાદ અયોધ્યા પરત આવવાના દિવસે અયોધ્યાવાસીઓએ આખી અયોધ્યાનગરીને દીવડાઓથી પ્રકાશિત કરી હતી અને આ દિવસને દિવાળીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.

વર્ષોથી હિન્દૂ ઘરોમાં પ્રજાપતિ સમાજ દ્વારા બનાવાયેલ માટીના દેશી કોડિયામાં તેલ પુરી દીવડા પ્રગટાવીને ઘર આગળ મુકવામાં આવે છે. ત્યારે, આખા ગામ હોય કે નગરમાં રોશની નયન રમ્ય લાગે છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોથી આ કોડિયાના માર્કેટમાં ચીનનું અતિક્રમણ જોવા મળી રહ્યું છે. જેના કારણે પ્રજાપતિ સમાજના ધંધા પર વિપરીત અસર પડી છે. સમય જતાં ધંધાના અસ્તિત્વના સવાલનો જવાબ પ્રજાપતિ સમાજે શોધી કાઢ્યો અને હવે તેઓએ ડિઝાઈનર દીવડા બનાવવાની શરુઆત કરી છે. આ દીવડા ચાઈનીઝ દીવડાની સામે ટક્કર પણ લઈ રહ્યા છે અને પોતીકું સમજી લોકો ખરીદી પણ રહ્યા છે.

ગોધરાની વાત કરીએ તો ગોધરામાં પ્રજાપતિ સમાજ દ્વારા સુંદર કલાત્મક કહેવાય એવા માટીના દીવડા બનાવી વેચવા ચાલુ કરાયા છે. છેલ્લા કેટલાક સમય થી ભારત અને પાકિસ્તાન વચ્ચેના આંતરિક તણાવ વધ્યો છે અને ચીન દ્વારા પણ જે રીતે પાકિસ્તાનને સમર્થન આપવામાં આવે છે એ જોતા કંઈક અંશે પ્રજામાં પણ એક રીતે ચાઇનીઝ વસ્તુઓનો વિરોધ હોય એવું જણાઈ રહ્યું છે.

દેશી દીવડા અને કોળિયા તરફ ગ્રાહકોમાં પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે. જેનાથી પ્રજાપતિ સમાજની દિવાળી સુધરવાની શક્યતાઓ દેખાઈ રહી છે. લાંબા સમય બાદ ચાઈનીઝ માર્કેટના દીવડામાંથી લોકો હવે દેશી દીવડાઓ લેવા તરફ વળ્યાં છે એ જોઈ પ્રજાપતિ સમાજ ખુશ જણાઈ રહ્યો છે.