October 24, 2024

ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને મોટી રાહત, તોશાખાના કેસમાં મળ્યા જામીન

Pakistan: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના સુપ્રીમો ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને ઈસ્લામાબાદ હાઈકોર્ટે મોટી રાહત આપી છે. બુધવારે, કોર્ટે તેને સરકારી ભેટોના કથિત ગેરકાયદે વેચાણ સાથે સંબંધિત તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં જામીન આપ્યા હતા. ધરપકડના 9 મહિના બાદ બુશરાને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈસ્લામાબાદ હાઈકોર્ટના જજ મિયાગુલ હસન ઔરંગઝેબે સુનાવણી દરમિયાન 50 વર્ષીય બુશરા બીબીની જામીન અરજી સ્વીકારી અને 10 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર તેને જામીન આપ્યા. કોર્ટના આ નિર્ણયથી બુશરાને મોટી રાહત મળી છે. કોર્ટે તેમને ભ્રષ્ટાચારના કેસમાં દોષી ઠેરવ્યા બાદ 31 જાન્યુઆરીએ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને દંપતીને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

જજ મિયાગુલ હસન ઔરંગઝેબે જામીન મંજૂર કર્યા હતા
સુનાવણી દરમિયાન ન્યાયાધીશ ઔરંગઝેબે ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઈએ)ના તપાસ અધિકારીને બુશરા બીબીની ભવિષ્યમાં પૂછપરછની જરૂરિયાત અંગે પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં અધિકારીએ પુષ્ટિ કરી કે વધારાની તપાસની કોઈ જરૂર નથી. ત્યારબાદ જજે તેને જામીન આપી દીધા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બુશરા બીબી અન્ય કોઈ કેસમાં વોન્ટેડ નથી કે તેની ધરપકડ કરવામાં આવી નથી. તેથી તેને જામીન બોન્ડ જમા કરાવ્યા બાદ અને જરૂરી પ્રક્રિયા પૂરી કર્યા બાદ છોડી દેવામાં આવી શકે છે.

વિદેશથી મળેલી ભેટ વેચવાનો આરોપ
તોશાખાના કેસમાં પૂર્વ પીએમ ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. આરોપ છે કે તોશાખાના કૌભાંડ 2018 થી 2022 ના સમયગાળા દરમિયાન થયું હતું જ્યારે ઈમરાન દેશના વડાપ્રધાન હતા. ઈમરાન ખાન પર વડાપ્રધાન તરીકે વિદેશમાંથી મળેલી 140 મિલિયન રૂપિયાથી વધુની ગિફ્ટ વેચવાનો આરોપ છે, જોકે ઈમરાને તેમના પરના આ આરોપોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા હતા.

આ પણ વાંચો: પાકિસ્તાન: મરિયમ નવાઝે હિંદુઓને આપી દિવાળી ભેટ, શીખો માટે કરી ખાસ જાહેરાત

ભેટ તોશાખાનામાં રાખવામાં આવી
તોશાખાના પાકિસ્તાનમાં કેબિનેટ વિભાગ છે. જ્યાં તે ભેટો રાખવામાં આવે છે જે વિદેશી સરકારો અથવા રાજ્યોના વડાઓ દ્વારા પાકિસ્તાન સરકારને ભેટ તરીકે આપવામાં આવે છે. ઈમરાન ખાન જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે અનેક વિદેશ પ્રવાસો કર્યા. આ સમયગાળા દરમિયાન તેમને ઘણી કિંમતી ભેટ મળી હતી. તેમાં ઘણી મોંઘી ઘડિયાળો, એક મોંઘી પેન, કફલિંક અને એક વીંટીનો સમાવેશ થાય છે. ઈમરાન પર આરોપ છે કે તેણે આ ગિફ્ટ્સ 2.15 કરોડ રૂપિયામાં ખરીદી અને પછી તેને 5 કરોડ રૂપિયાથી વધુમાં વેચી દીધી.