October 23, 2024

વડતાલ મંદિરને 200 વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી, જાણો તમામ વ્યવસ્થા

વડતાલઃ સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આગામી 7 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. આ પ્રસંગે સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશ-વિદેશના લાખો હરિભક્તો પ્રબોધિની સમૈયામાં ભાગ લેશે. દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત તારીખ 7થી 15 નવેમ્બર દરમિયાન જ્ઞાનજીવનદાસજી (કુંડળધામ) અને નિત્યસ્વરૂપદાસજી (સરધારધામ) તરફથી શ્રીજી પ્રસાદી માહાત્મ્ય કથા અને શ્રીમદ્ સત્સંગિજીવન કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

મહોત્સવના મુખ્ય આકર્ષણો

1. આધુનિક ટેન્ટ સિટી – દેશ-વિદેશમાંથી મહોત્સવમાં ભાગ લેવા આવેલા દર્શનાર્થીઓને રહેવા માટે અતિઆધુનિક સુવિધાસાથેના 25 હજારથી વધુ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં એસીની સુવિધા પણ રાખવામાં આવી છે.

2. પ્રદર્શન – દ્વિશતાબ્દી મહોત્સવ સંપાદિત કરેલી 800 વીઘા જમીન પર ઉજવવામાં આવશે. જેમાં 25 વીઘા જમીન પર વિશાળ સાંસ્કૃતિક પ્રદર્શન તારીખ 24 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન યોજવામાં આવશે. જેના સમય બપોરે 12 વાગ્યાથી રાતના 10 કલાક સુધીનો રાખવામાં આવે છે. વિશાળ પ્રદર્શનનું પ્રવેશદ્વાર 100 ફૂટ લાંબુ અને 35 ફૂટ ઉંચુ છે. આ ઉપરાંત જીવંત કલાકરો દ્વારા લાઈટ એન્ડ સાઉન્ડ શો, આર્ટ ગેલેરીમાં 190 ફૂટ લાંબુ ઘનશ્યામ ચરિત્ર અને 114 ફૂટ લાંબુ રામાયણચરિત્ર તળપદી ચિત્રશૈલીમાં કંડારાયેલું છે. આ ઉપરાંત રંગ બેરંગી ફુવારાઓ ભક્તોના મનમોહી લેશે. પ્રદર્શન સ્થળે 685 સ્વયંસેવકો વ્યવસ્થા જાળવશે. બંગાળના 75 કારીગરો અને સ્વયંસેવકો છેલ્લા 3 માસથી પ્રદર્શનની તૈયારી કરી રહ્યા હતા.

3. યજ્ઞશાળા – 15 વીઘાથી વધુ વિશાળ જગ્યામાં યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. જેમાં 108 કુંડી વિષ્ણુયાગ યોજાનાર છે. આ વિષ્ણુયાગમાં 3500 વધુ દંપતિઓ બેસી શકશે.

4. ભવ્ય ભોજનશાળા – 62 હજાર 500 ચો.ફૂટ જમીન પર ભવ્ય ભોજનશાળા બાંધવામાં આવી છે. જેમાં વીઆઈપી, વીવીઆઈપી તથા અન્ય ભક્તોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

5. શુદ્ધ પાણી માટે બે આરઓ પ્લાન્ટ કાર્યરત – મહોત્સવમાં પધારનારા દરેક હરિભક્તોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે બે આરઓ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જેથી દરેકને ઠંડુ અને શુદ્ધ પાણી પૂરૂં પાડવામાં આવશે.

6. વિશાળ સભા મંડપ – હરિભક્તો શાંતિથી કથા શ્રવણ કરી શકે તે માટે 2.10 લાખ ચો.ફૂટનો વિશાળ સભામંડપ તૈયાર કરવામાં આવ્યો છે. જેની પીઠીકા 30 હજાર ચો.ફૂટની રાખવામાં આવી છે. આ સભામંડપમાં 25 હજારથી વધુ હરિભક્તો બેસી કથા શ્રવણ કરશે.