બિલ્ડરને ધમકી આપનાર 3 ઇસમોની ધરપકડ કરી પોલીસ સરઘસ કાઢ્યું
અમિત રૂપાપરા, સુરત: શહેરના લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં એક બિલ્ડર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે કેટલાક ઈસમો તેનું બિલ્ડીંગ ગેરકાયદેસર હોવાનું કહી બિલ્ડીંગ તોડાવી નાખવાની ધમકી આપી 15 લાખની માગણી કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકામાં બિલ્ડરને પરેશાન કરતા ઈસમો દ્વારા આરટીઆઇ કરીને બિલ્ડીંગના એક માળનું ડિમોલેશન પણ કરાવી નાખવામાં આવ્યું હતું. છતાં પણ બિલ્ડરને 15 લાખ રૂપિયા આપવાની ધમકી આપતા હતા સમગ્ર મામલે અત્યાર સુધીમાં પોલીસે આ ગેંગના ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. જેમાંથી બે ઈસમોને લાલમિયા મસ્જિદ પાસે લઈ જઈ આરોપીઓનું સરઘસ કાઢી આ ઈસમો એ જો કોઈ અન્ય લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવ્યો હોય તો આવા લોકોને પોલીસ સમક્ષ ફરિયાદ કરવાની અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
બિલ્ડર પાસેથી ખંડણી માગવાના કેસમાં સુરતની લાલગેટ પોલીસ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણ આરોપીમાં મુખ્ય સનોવર હુસેન હોવાનું સામે આવ્યું છે. આ સનોવરની ધરપકડ બાદ પોલીસે મહમદ જુનેદ અન્સારી અને મોહમ્મદ આરીફ ખાનની ધરપકડ કરી છે. આ બંને ઈસમોની ધરપકડ બાદ પોલીસ દ્વારા તેને લાલ મિયા મસ્જિદના આસપાસના વિસ્તારમાં લઈ જઈ ફેરવવામાં આવ્યા હતા અને આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પોલીસે પકડેલ હુસેન અને આરોફ નામના બંને ઈસમોનું સરઘસ કાઢી સ્પીકરની મદદથી લોકોને પોલીસ દ્વારા સમજ આપવામાં આવી હતી કે જો કોઈ વ્યક્તિ ખંડણી માગે લોકોને પરેશાન કરતા હોય અથવા તો ગેરકાયદેસર કૃતિઓમાં ફસાવવાની ધમકી આપીને લોકો પાસેથી પૈસાની માગણી કરતા હોય તો આવા લોકો સામે તાત્કાલિક અસરથી પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. કારણકે પોલીસ લોકોની સેવામાં હંમેશા તત્પર રહે છે અને આ ઈસમો લાલમીયા મસ્જિદની આસપાસ આ જ પ્રકારે લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવતા હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે આ ઇસમોનું સરઘસ કાઢ્યું હતું. જેથી કરીને લોકોમાં આ ઈસમો પ્રત્યેનો ડર દૂર થાય અને જો કોઈ વ્યક્તિ ભોગ બન્યો હોય તો તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે કે પોલીસે જે બંને ઈસમોની ધરપકડ કરી છે તેના પાસેથી 1 લાખ રૂપિયા રોકડા મોબાઈલ તેમજ એકટીવા જપ્ત કરી છે.