January 1, 2025

મેંગો માર્કેટિંગ યાર્ડ તાલાલા પણ ખેડૂતોની પડખે, ઇકોઝોનનો કાયદો પાછો ખેંચવા માગ

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ ગીર વિસ્તારના જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 જેટલા ગામોમાં કાયદો લાગુ કરવાને લઈને ભારત સરકાર દ્વારા ગેઝેટ નોટિફિકેશન જાહેર કર્યું છે. ત્યારે સરકારનું નોટિફિકેશન જાહેર થતાં જ ખેડૂતો, ગામ લોકો, ગામના સરપંચો અને સહકારી સંસ્થાઓમાં વિરોધ જોવા મળ્યો છે. ત્યારે આજે મેંગો માર્કેટિંગ યાર્ડ તાલાલાએ પણ ઠરાવ કરીને સમગ્ર કાયદો પરત લેવામાં આવે તેવી માગ કરી છે.

કેન્દ્ર સરકાર ગીર વિસ્તારના જુનાગઢ સોમનાથ અને અમરેલી જિલ્લાના 197 જેટલા ગામોમાં ઈકોઝોનની અમલવારી લાગુ કરવાને લઈને ગેઝેટ નોટિફિકેશન જાહેર કરતાં જ ગ્રામ પંચાયતો અસરગ્રસ્ત ગામના લોકો અને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ઈકોઝોનનું નોટિફિકેશન જાહેર થતાં જ કેટલાક ગામોમાં ધરણા આંદોલન પણ શરૂઆત થઈ છે. ત્યારે આવી પરિસ્થિતિની વચ્ચે મોટાભાગની ગ્રામ પંચાયતો સહકારી સંસ્થાઓ સ્થાનિક તમામ રાજકીય પક્ષના આગેવાનો દ્વારા ઠરાવ કરીને સમગ્ર કાયદો પરત લેવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે, જેમાં આજે તાલાલા માર્કેટિંગ યાર્ડ પણ જોડાયું છ.

ગીરમાં આવેલું તાલાલા મેંગો માર્કેટિંગ યાર્ડ એકમાત્ર કેરીની હરાજી માટે જ બનાવવામાં આવ્યું છે. અહીં કેરીની હરાજી સિવાય અન્ય કોઈ કૃષિ જણસોની હરાજી કરવામાં આવતી નથી. ત્યારે મેંગો માર્કેટિંગ યાર્ડેના ચેરમેન સહિત તમામ ડિરેક્ટરોએ તાકીદની બેઠક બોલાવીને સર્વાનુમતે ઇકોઝોનનો કાયદો કેન્દ્રની સરકાર પરત ખેંચે તેવો ઠરાવ કરીને ખેડૂતો અને અસરગ્રસ્ત ગામ લોકોના સાથે ઉભા રહેવાનો નિર્ણય કર્યો છે. તો અગાઉ સહકારી સંસ્થાઓ ગ્રામ પંચાયતો અને તમામ રાજકીય પક્ષના મોટા આગેવાનો પૂર્વ ધારાસભ્યોએ પણ ઇકોઝોનનો કાયદો પરત ખેંચવાની માગ કરી છે. જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સહિત આજે માર્કેટિંગ યાર્ડ જેવી સહકારી સંસ્થા પણ જોડાઈ છે. જેથી ઇકોઝોનના કાયદાની લડતને આગામી દિવસોમાં વધુ વેગ મળતો પણ જોવા મળી શકે છે, તો સ્થાનિક નેતાઓ રાજીનામું આપવા પણ તૈયાર થયા છે.

એક ગીરના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને દિવસ પહેલા ભારતીય કિસાન સંઘ દ્વારા તાલાળાના અકોલવડી ગામે ખાટલા બેઠક યોજી વિરોધ કર્યો હતો તો બીજી બાજુ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ પણ ઇકોઝોનના કાયદાને લઈને તાલાળા ખાતે આયોજિત બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં જિલ્લાના ભાજપના પદાધિકારીઓ પણ જોડાયા હતા અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, નવો કાયદો વન વિભાગના અધિકારીઓ દ્વારા ઉભો કરીને તેની કોઈ પણ પ્રકારની રાજ્ય કે કેન્દ્ર સરકારને સમજણ આપ્યા વગર અધિકારીઓએ નવા સૂચિત કાયદાનું ગેઝેટ નોટિફિકેશન જાહેર કરીને કેન્દ્ર અને રાજ્યની સરકારને પણ અંધારામાં રાખી છે. પૂર્વ ધારાસભ્ય દ્વારા સરકારના અધિકારીઓ સરકાર સાથે છેતરપિંડી કરી રહ્યા છે. તેવા નિવેદનને લઈને પણ હવે આગામી દિવસોમાં સમગ્ર મામલામાં નવો રાજકીય વળાંક આવી શકે છે.