October 18, 2024

પાછોતરા વરસાદથી ખેડૂતોને નુકસાન, સરકાર તાત્કાલિક સરવે કરાવી સહાય પેકેજ જાહેર કરેઃ કૌશિક વેકરિયા

અમરેલીઃ પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડેલા વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યાં છે. આ મામલે ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

ધારાસભ્ય કૌશિક વેકરિયાએ નવરાત્રિ દરમિયાન પડેલા વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. અમરેલી, કુંકાવાવ સહિત જિલ્લાના અનેક તાલુકામાં પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે કમોસમી વરસાદને કારણે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોને સરકાર દ્વારા આર્થિક મદદ કરવા માટે માગ કરી છે.

આ સાથે તેમણે પત્રમાં લખ્યું છે કે, સરકાર તાત્કિાલિક નુકસાનનો સરવે કરાવીને રાજ્ય સરકાર રાહત પેકેજની જાહેરાત કરે. અમરેલી જિલ્લાના ખેડૂતોએ આ અંગે મૌખિક રજૂઆત કરી હતી. ત્યારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સત્વરે રાજ્ય કક્ષાએથી જરૂરી નિર્ણય લેવામાં આવે તેવી માગણી કરી છે.