January 22, 2025

ખાદ્યપદાર્થોના ભાવવધારાને કારણે જથ્થાબંધ ફુગાવો સપ્ટેમ્બરમાં વધીને 1.84 ટકા થયો

Inflation

WPI inflation: શાકભાજી અને અન્ય ખાદ્યપદાર્થો મોંઘા થતાં સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ભાવનો ફુગાવો વધીને 1.84 ટકા થયો હતો. ઓગસ્ટમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) આધારિત ફુગાવો 1.31 ટકા હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમાં 0.07 ટકાનો ઘટાડો થયો હતો. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, સપ્ટેમ્બરમાં ખાદ્ય ફુગાવો વધીને 11.53 ટકા થયો હતો, જ્યારે ઓગસ્ટમાં તે 3.11 ટકા હતો.

શું છે ફુગાવો વધવાનું કારણ?
હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) આધારિત ફુગાવો વધવાનું કારણ શાકભાજીની મોંઘવારી હતી, જેમાં સપ્ટેમ્બરમાં 48.73 ટકાનો વધારો થયો હતો. ઓગસ્ટમાં તેમાં 10.01 ટકાનો ઘટાડો થયો હતો. સપ્ટેમ્બરમાં બટાટાનો મોંઘવારી દર 78.13 ટકા અને ડુંગળીનો ફુગાવો 78.82 ટકા પર રહ્યો હતો. ફ્યુઅલ અને પાવર કેટેગરીમાં સપ્ટેમ્બરમાં 4.05 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જે ઓગસ્ટમાં 0.67 ટકા રહી હતી.

શું છે મંત્રાલયનું નિવેદન?
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બર, 2024માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ, ખાદ્ય ઉત્પાદનો, અન્ય ઉત્પાદન, મોટર વાહનો, ટ્રેલર અને અર્ધ-ટ્રેલર્સ, ઉત્પાદન મશીનરી અને ઉત્પાદનના ભાવમાં વધારાને કારણે છે.

રિટેલ ફુગાવાને ધ્યાનમાં રાખે છે RBI
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) નાણાકીય નીતિ ઘડતી વખતે મુખ્યત્વે રિટેલ ફુગાવાને ધ્યાનમાં લે છે. RBIએ આ મહિને તેની નાણાકીય નીતિ સમીક્ષામાં મુખ્ય વ્યાજ દર અથવા રેપો રેટ 6.5 ટકા રાખ્યો હતો. રિટેલ ફુગાવાના આંકડા પણ આજે જાહેર થવાના છે.