January 3, 2025

ભેખડ ધસી પડતા શ્રમિકોનાં મોતઃ રાજ્ય સરકારની સહાયની જાહેરાત, પ્રત્યેકને 4 લાખ આપશે

ગાંધીનગરઃ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામ પાસે મોટી દુર્ઘટના ઘટી છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા મજૂરો દટાયા હતા અને તેમાંથી 9 મજૂરોનાં મોત નીપજ્યા છે. ત્યારે રાજ્ય સરકારે મૃતક શ્રમિકોને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાંથી આ સહાયની જાહેરાત કરવામાં આવી છે.

આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ એક્સ પર શેર કરી છે. આ સાથે તેમને સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઇજાગ્રસ્ત વ્યક્તિઓને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

શું હતી સમગ્ર ઘટના?
કડીના જાસલપુર-અલદેસણ ગામ વચ્ચે ખાનગી કંપનીની કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના બની છે. જેમાં કામ કરતી વખતે અચાનક ભેખડ ધસી પડતા 9 મજૂરોનાં મોત થયા છે. અંડર કન્સ્ટ્રક્શન સ્ટીલ કંપનીમાં કામ ચાલતું હતું. ત્યારે અચાનક ભેખડ ધસી પડતા 8થી 10 લોકો દટાયા હતા. હાલ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ સહિતનો કાફળો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને આ સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.