January 3, 2025

ઇકો સેન્સિટિવ ઝોન મામલે ખેડૂતોનો પ્રબળ વિરોધ, તાલાલામાં યોજાઇ ખાટલા બેઠક

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ગીર સોમનાથમાં ઇકો સેન્સેટીવ ઝોન નો જોરદાર વિરોધ જોવા મેઇલ રહ્યો છે. એક તરફ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં વિશાળ રેલી યોજાઇ હતી તો બીજી બાજુ તાલાલામાં ખેડૂતો દ્વારા ખાટલા બેઠકો શરૂકરવામાં આવી છે. ચાલુ વરસાદમાં મહિલાઓ ખાટલા બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા અને ઇકો સેન્સિટિવ ઝોન મામલે વિરોધ દર્શાવ્યો હતો.

ઇકો સેન્સેટીવ ઝોનને લઈને ખેડૂતો અને કિસાન સંઘે હવે સરકારને પાછીપાની કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. એક તરફ ગીર ગઢડામાં કિસાન સંઘના નેતૃત્વમાં વિશાળ રેલી યોજી ઇકો ઝોનનો વિરોધ કરાયો હતો. તો બીજી તરફ, કિસાન સંઘ દ્વારા તાલાલાના હડમતીયા ગામેથી ખાટલા બેઠકના શ્રી ગણેશ કરવામાં આવ્યા.

કિસાન સંઘ દ્વારા ગામડે ગામડે જઈને ખેડૂતોને જાગૃત કરી ઇકો ઝોન સામે લડી લેવા અપીલ કરવામાં આવી રહી છે. હડમતીયા ગીર ખાતે મહિલાઓ જાણે રણચંડી બની હોય તેમ ચીમકી આપી છે કે ઇકો ઝોનને રદ્દ કરાવવા જરૂર પડશે તો અને હથિયાર પણ ઉપાડવામાં આવશે પરંતુ ઇકો ઝોનનો કાયદો નહિ લાવવા દેવામાં આવે.