January 3, 2025

જામનગરની અનોખી ગરબી, યુવકો કરે છે તલવારરાસ-અંગારારાસ

સંજય વાઘેલા, જામનગરઃ હાલ નવરાત્રી ચાલી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પરંપરાગત ગરબીઓનું આકર્ષણ આજે પણ અકબંધ રહ્યું છે. જામનગરના રણજિતનગરમાં પટેલ સમાજના ચોકમાં છેલ્લાં 73 વર્ષથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં યુવકો દ્વારા રજૂ થતા તલવારરાસ અને મશાલરાસ લોકોમાં જબરું આકર્ષણ જમાવે છે.

જામનગર શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં પ્રાચીન-અર્વાચીન ગરબીઓ દ્વારા મા આદ્યશક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રિને ભક્તિભાવ સાથે ઉત્સાહભર્યા માહોલમાં ઊજવાઈ રહ્યું છે. શહેરમાં છેલ્લાં 73 વર્ષથી યોજાતા મશાલરાસ અને તલવારરાસ દર વર્ષે શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ રાસને નિહાળવા લોકો દૂર દૂરથી આવે છે. વિશાળ સ્ટેજ પર પરંપરાગત કેડિયું અને ચોરણીનાં વસ્ત્રો પરિધાન કરીને આ ગરબી મંડળના ખેલૈયાઓ અવનવા રાસ રમે છે. તેને નિહાળવા રાત્રે માનવ મહેરામણ ઊમટી પડે છે.

રણજિતનગરમાં પટેલ યુવક મંડળ દ્વારા સરદાર પટેલ ચોકમાં ચાલતી ગરબી વિવિધ પ્રાચીન રાસને કારણે પ્રખ્યાત છે. આ ગરબી દ્વારા સળગતા અંગારા પર મશાલરાસનું આયોજન કરવામાં આવે છે. બે મહિનાની સખત પ્રેક્ટિસ બાદ યુવકો આ રાસ રજૂ કરે છે. અહીં દર વર્ષે સ્થાનિક યુવાનો વિવિધ પ્રકારના પ્રાચીન ગરબા અને રાસ રમે છે. જેમાં મશાલરાસ ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ રાસમાં યુવાનો હાથમાં મશાલ રાખીને મા શક્તિની આરાધના કરે છે. ત્યારબાદ તેઓ એક વર્તુળમાં અંગારાઓ પર નૃત્ય કરે છે.

આ ગરબીમાં પરંપરા મુજબ તમામ વાજિંત્રોથી માંડીને વસ્ત્રો અને ગીતોનું ધ્યાન રખાય છે. અહીં યુવાનો દ્વારા મશાલરાસ ઉપરાંત કણબીરાસ, દાંતરડારાસ, ગુલાંટરાસ, તલવારરાસ જેવા વિવિધ પ્રકારના રાસ રમવામાં આવે છે. યુવાનો ગરબીમાં આગની જ્વાળાઓ વચ્ચે ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવે છે. હાથમાં મશાલ અને અંગારા પર ખુલ્લા પગે રાસ રમી રહેલા આ યુવાનોને જોઈ લોકો દંગ રહી જાય છે.