October 8, 2024

જામનગરની મગફળી ખરીદવા આવ્યા તમિલનાડુના વેપારીઓ, ખેડૂતો ખુશખુશાલ

સંજય વાઘેલા, જામનગર: સીઝનની પ્રથમ મગફળી હવે માર્કેટિંગ યાર્ડમાં લઈને ખેડૂતો આવી રહ્યા છે. જામનગર પંથકની મગફળી ખુબ જ પ્રખ્યાત છે. ખાસ કરીને તામિલનાડુના વેપારીઓ 66 નંબરની જામનગરની મગફળી ખરીદવા માટે આવે છે. તામિલનાડુથી વેપારીઓ આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. તામિલનાડુના વેપારીઓએ હાપા યાર્ડમાં મગફળી લઈને આવેલા ખેડૂત પાસેથી એક મણના 2000 ભાવે મગફળી ખરીદી હતી. સીઝનની પ્રથમ મગફળી લઈને મોટી સંખ્યામાં ખેડૂતો આવી રહ્યા છે.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરુ થઈ ચુકી છે. હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું કે સીઝન શરુ થતા જ મગફળીની આવક શરુ થઈ છે. તામિલનાડુના વેપારીઓ પણ મગફળીની ખરીદી કરવા આવી રહ્યા છે. જામનગર જિલ્લાની 9 નંબર અને 66 નંબરની મગફળી ખુબ જ જાણીતી છે. આ મગફળીની ગુણવત્તાને કારણે અન્યાય રાજ્યમાંથી વેપારીઓ જામનગર ખરીદી કરવા માટે આવી રહ્યા છે.

ખેડૂતોને ગુજરાતમાં મગફળીના સૌથી વધુ ભાવ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે. આ પાછળનું કારણ તામિલનાડુના વેપારીઓ માટે હાપા માર્કેટિંગ યાર્ડ ફેવરિટ બની ગયું છે. જામનગરની મગફળીની સારી ગુણવત્તાને કારણે તેઓ હજારો કિમી દૂરથી અહીં મગફળી ખરીદવા આવે છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના 900થી 1600 રૂપિયા મળી રહ્યા છે જે ગુજરાતમાં અન્ય એકેય યાર્ડમાં આટલો ભાવ મળતો નથી. હાલ જામનગરના વેપારીઓ મારફતે તામિલનાડુના વેપારીઓ મગફળીની ખરીદી કરવાનું શરુ કર્યું છે.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને સારા ભાવ આપવા માટે જાણીતું છે. એક તરફ ચોમાસુ સારું જતાં જ સારું ઉત્પાદન થવાની વેપારીઓ આશા છે તો બીજી બાજુ ખેડૂતોને સારા ભાવ મળશે તેવી આશા સેવાઈ રહી છે. જામનગરમાં તામિલનાડુ થી આવતા વેપારીઓને કારણે સ્થાનિક ખેડૂતોને મગફળીના ઊંચા ભાવ મળી રહે છે.