October 7, 2024

ભાયલી સામુહિક દુષ્કર્મ કેસના 5 આરોપીઓ ઝડપાયાં

વડોદરાઃ ભાયલી સામુહિક દુષ્કર્મ મામલે ખૂબ જ ઝડપી તપાસ થઈ રહી છે. આ મામલે પોલીસે 48 કલાકમાં જ 5 આરોપીઓને ઝડપી પાડ્યાં છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. ટૂંક સમયમાં જ ક્રાઇમ બ્રાન્ચ પ્રેસ કોન્ફરન્સ કરી તમામ માહિતી આપશે.

આ ગંભીર ઘટનાની તપાસમાં IG, SP, 3 DYSP, 5 PI, 15 PSI સહિત 200 પોલીસકર્મીઓની ટીમ કામે લાગી હતી અને સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પણ જોડાઈ હતી.

દુષ્કર્મની ઘટનામાં ત્રણ કિમી વિસ્તારના 1 હજાર ઘરમાં પોલીસે તપાસ કરી છે. આ સાથે જ 15 શકમંદોની પૂછપરછ કરી છે. પરંતુ એકપણ વ્યક્તિ આરોપી ન નીકળ્યો. ત્યારે પોલીસે ભાયલી ગામના પણ કેટલાક શખ્સોને પૂછપરછ માટે બોલાવ્યાં છે. પોલીસે નવલખી ગેંગરેપ તપાસની પેટર્ન પર તપાસ શરૂ કરી છે. આ ઘટના સમયના મોબાઈલ લોકેશન ચેક કરવામાં આવ્યા છે. પોલીસે હાલ પીડિતા અને તેના મિત્રનું કાઉન્સિલિંગ કર્યું છે.

શું હતી સમગ્ર ઘટના?
આ ઘટના વિશે માહિતી આપતા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે કહ્યુ છે કે, ‘પીડિતા પોતાના મિત્રને 11.30 વાગે રાત્રે મળી હતી. રાત્રે 12 વાગે બે બાઈક પર સવાર 5 લોકોએ જોયા હતા. પીડિતા અને તેના મિત્ર સાથે માથાકૂટ કરી હતી. 5માંથી 2 વ્યક્તિ નીકળી ગયા હતા. 2 યુવકોએ પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું, 1 યુવકે પીડિતાના મિત્રને પકડી રાખી હતી.’ ઉલ્લેખનીય છે કે, ગેંગરેપ થયાની જિલ્લા પોલીસ વડાએ પુષ્ટિ કરી છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાને રાખીને જિલ્લા પોલીસ સાથે શહેર પોલીસ પણ તપાસમાં જોડાઈ છે.

સગીરા પીડિતા પરપ્રાંતીય છે. આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓની ઉંમર 30થી 35 વર્ષ હોવાનું પોલીસનું અનુમાન છે. જિલ્લા પોલીસ વડાએ કહ્યુ છે કે, આ કેસ પોલીસ માટે ખૂબ ચેલેન્જિંગ છે. પીડિતા ગરબા રમવા નથી ગઈ. તે નોર્મલ ડ્રેસમાં હતી, ચણિયાચોળી પહેર્યા નહોતા.’