October 1, 2024

હારીજ-ચાણસ્મા હાઇવે પર રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, દ્વારકામાં 10 ગૌવંશોના મોત

Accident in Gujarat: આજે રાજ્યના ચાર જિલ્લાઓમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ બની છે. જેમાં હારીજ ચાણસ્મા હાઇવે પર સર્જાયેલા રોડ અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે તો દ્વારકા નજીક મુળવાસર રોડ પર અકસ્માતમાં 10 ગૌવંશોના મોત નિપજ્યા છે. ત્યાં જ અંબાજી દાંતા માર્ગ પર રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. તો લીંબડી રાજકોટ હાઇવે પર ત્રીપલ અકસ્માત સર્જાયો હતો, જોકે આ અકસ્માતમાં નદનસીબે કોઈ જાનહાનિ થઈ નહતી.

પાટણના હારીજ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. અહીં ટ્રેલર અને ઇક્કો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇક્કો કારમાં સવાર બે પુરુષોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. હારીજ ખોડલ હોટલ નજીક પેસેન્જર ભરેલ ઇક્કો કાર સાથે ટ્રેલર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતના પગલે ઘટનાસ્થળે સ્થાનિકો દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં 7 ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે પાટણની ધારપુર હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના સ્થળે બે પુરુષોના મોત નિપજતા હારીજ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

દ્વારકા નજીક મુળવાસર રોડ પર અકસ્માત
દ્વારકા નજીક મુળવાસર રોડ પર બેઠેલા પશુઓના કારણે અહીં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 ગૌવંશના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. ત્યાં જ ઈજાગ્રસ્ત ગૌવંશને ગૌશાળામાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ અકસ્માત મોડી રાત્રે પશુઓ ન દેખાતા અજાણ્યા વાહને અડફેટે લીધા હતા. જોકે કારમાં સવાર તમામનો આબાદ બચાવ થયો હતો.

અંબાજી દાંતા માર્ગ પર સર્જાયો અકસ્માત
અંબાજી દાંતા રોડ પર જીપ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રીક્ષામાં સવાર શાળાના વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતા તેઓને અંબાજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યાં જ એક વિદ્યાર્થીને વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડાયો હતો. જોકે અકસ્માત બાદ જીપ ચાલક જીપ મુકી ફરાર થઈ ગયો હતો. જે બાદ અંબાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

લીંબડી રાજકોટ હાઇવે પર ત્રીપલ અકસ્માત
લીંબડી રાજકોટ હાઇવે પર ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જ્યાં ફુલ ગ્રામ નજીક કાર ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટેયરિંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જે બાદ કાર અને બે ટ્રક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.