December 27, 2024

મુંબઈમાં આતંકી હુમલાનો ખતરો: એલર્ટ પર મુંબઈ પોલીસ, ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારાઈ

Mumbai Terror Attack Threat: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આતંકવાદી હુમલાના જોખમનું એલર્ટ આપવામાં આવ્યું છે. હકીકતમાં, મુંબઈ પર આતંકી હુમલાની ગુપ્ત માહિતી મળી છે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. પોલીસ દળ એલર્ટ પર છે અને ભીડભાડવાળી જગ્યાઓ પર ખાસ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં ધાર્મિક સ્થળો પર પણ સુરક્ષા સઘન બનાવવામાં આવી છે અને લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ જો કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

રેલ્વે સ્ટેશન, મોલ સહિત જાહેર સ્થળોએ વિશેષ તકેદારી
આતંકી હુમલાના ખતરાને ધ્યાનમાં રાખીને પોલીસે મુંબઈના ભીડભાડવાળા વિસ્તારોમાં જેમ કે ક્રૉફર્ડ માર્કેટ વગેરેમાં મોક ડ્રીલ પણ હાથ ધરી હતી. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વધારાની સુરક્ષાની તકેદારીઓ રાખવામાં આવી રહી છે. દેશની આર્થિક રાજધાની હોવાને કારણે મુંબઈ શહેર આતંકવાદીઓના નિશાના પર રહે છે. આ જ કારણ છે કે સુરક્ષા એજન્સીઓ આતંકવાદી હુમલા અંગે ગુપ્તચર માહિતીને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, મોલ સહિતના અન્ય જાહેર સ્થળો પર વધારાની તકેદારી રાખવામાં આવી રહી છે. આતંકવાદ વિરોધી દળને પણ સક્રિય કરવામાં આવી છે.