January 3, 2025

ભાવનગર: બસમાં ફસાયેલા તમામ લોકોનો બચાવ, NDRFની ટીમે બચાવ્યો 37 લોકોનો જીવ

ભૌમિક સિદ્ધપુરા, ભાવનગર: ભાવનગરના કોળિયાક ગામ ખાતે બસ પાણીમાં ખાબકી છે. કોળિયાક ગામ નજીક આવેલ પુલ પાસે તમિલનાડુ પાસિંગની બસ નાળામાં ખાબકી હતી. આ બસ નાળામાં ખાબકતા એકાએક પાણીનો પ્રવાહ આવી જતા બસ પાણીમાં ફસાઈ છે. આ બસમાં રહેલા મુસાફરોને કાઢવા બચાવ કામગીરી હાથ ધરાઈ છે. ફસાયેલા મુસાફરોનું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે.  આ ઘટનાને પગલે પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અને સ્થાનિકો દ્વારા બસમાં રહેલા મુસાફરોની રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.  NDRFની ટીમે બચાવ્યો 37 લોકોનો જીવ, લગભગ 8 કલાક બાદ તમામ લોકોનો બચાવ કરી લેવાયો છે. 37 જિંદગીનો બચાવ કરવામાં આવ્યો છે. NDRF ટીમે આ રેસ્ક્યુ ઓપરેશન સફળ કર્યું છે.

આ બસમાં ડ્રાઇવર સહિત 29 મુસાફરો ફસાયેલા છે. બસમાં રહેલા મુસાફરોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. મુસાફરોનાં રેસ્ક્યૂ માટે એક ટ્રકમાં 8 તરવૈયાઓને મોકલવામાં આવ્યા હતા. માહિતી મુજબ રેસ્ક્યુ માટે મોકલેલી ટ્રક પાણીમાં ફસાઈ જતા કુલ 37 લોકો ફસાયા છે. હાલ તંત્ર દ્વારા ફસાયેલા તમામ મુસાફરોને સુરક્ષિત બહાર લાવવા પ્રયાસો શરૂ કર્યાં છે. રેતી ભરેલા લોડિંગ ટ્રકમાં 7 લોકોને લાઈફ જેકેટ સહિતની સમગ્ર સામગ્રી સાથે ફસાયેલા મુસાફરોને બચાવવા માટે પાણીના પ્રવાહમાં મોકલવામાં આવ્યો હતો. મુસાફરોને લેવા માટે જઇ રહેલા ટ્રકની કામગીરી થઈ ફેઈલ ગઇ હતી.

ટ્રક પાણીના ધસમસતા પ્રવાહમાં ના જઈ શકવાના કારણે પરત કરવામાં આવ્યો હતો. પાણીનો પ્રવાહ ખુબ જ હોવાના કારણે ટ્રકને પરત કરવામાં આવ્યો હતો. બસમાં મોટાભાગના મોટી ઉંમરના વડીલો હોવાનું સામે આવ્યું છે. પાણીમાં ફસાયેલા તમામ યાત્રિકોની રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. ભાવનગર શહેરના પટેલ બોર્ડિંગ ખાતે તમામ યાત્રિકોને રાખવામાં આવશે. યાત્રિકો માટે ડોકટરોની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે.

પાણીનો પ્રવાહ વધ્યો હોવાથી હાલ જે ટ્રક ને સહી સલામત ત્યાં જ ઉભો રાખી દેવાયો છે. હાલ જ્યાં સુધી પાણી ઓસરે નહીં ત્યાં સુધી વેઇટ એન્ડ વોચની સ્થિત જોવા મળી રહી છે. પાણી ઓસરે ત્યાર બાદ તમામ લોકો નું રેસ્ક્યુ કરવામાં આવશે તેને સહી સલામત બહાર લાવવાની કામગીરી હાથ ધરાશે. આ ઘટનાને પગલે કલેક્ટર , SP, DYAP, મામલતદાર, મ.ન.પા કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે. બસમાં રહેલા મુસાફરોને બચાવવા ગયેલ ટ્રક પણ પાણીમાં ફસાયો છે. આ સાથે હાલ કુલ 37 વ્યક્તિઓ પાણીમાં હાલ ફસાયેલા છે. પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે NDRF અને SDRFની ટીમ આવવા રવાના થઇ છે. અંદાજીત 1 કલાકમાં NDRF અને SDRFની એક ટુકડી કોળિયાક ખાતે આવી પહોંચશે. આ ઉપરાંત પાણીમાં એક રેતી ભરેલા લોડિંગ ટ્રકને પણ મોકલવામાં આવશે.

નોંધનીય છે કે, ગુજરાતમાં વરસાદનો ફરી વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે. આગામી 3 દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને નવરાત્રિ દરમિયાન પણ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.