September 26, 2024

નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે સુરત પોલીસનું સોશિયલ મીડિયામાં જાગૃતિ અભિયાન

સુરત: નવરાત્રીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા નવરાત્રીને લઈને અત્યારથી જ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે, નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબાના આયોજનો થતા હોય છે ત્યારે મોડી રાત્રે ગરબા રમીને પરત ફરતી દીકરીઓની સુરક્ષા માટે સુરત પોલીસ સજ્જ છે. ત્યારે સોશિયલ મીડિયા પર સુરત શહેર પોલીસ દ્વારા એક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં મહિલા સુરક્ષાના કેટલાક અગત્યના મુદ્દાઓ પોલીસ દ્વારા લોકો સમક્ષ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત રાત્રિના સમયે ગરબા રમીને પરત જતી મહિલાઓ કે યુવતીઓને જો કોઈ વાહન ન મળે તો તેઓ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ પર 100 નંબર અથવા તો મહિલા અભયમ હેલ્પલાઇન 181 નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરશે તો પોલીસ જે તે મહિલા કે યુવતીને પોતાના ઘર સુધી સુરક્ષિત રીતે પહોંચાડશે.

સુરત શહેર પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને લઈને જે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેમાં જે મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મુદ્દા નીચે મુજબના છે.

  • તમે જયાં ગરબા રમવા જવાના હોવ એનું એડ્રેસ અને જેમની સાથે ગરબા રમવા જવાનાં હોવ એ સાથીદારો/મિત્રોના મોબાઇલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો.
  • ગરબા રમવા જાવ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન મોડ પર રાખજો.
  • અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીવાના પીણાં, કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્યપદાર્થ ખાશો નહીં.
  • અજાણી કે અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફ્સ કે વિડીયો શૅર ન કરશો.
  • સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવજો.
  • ગરબા રમવા જાવ ત્યારે પરિચિત ગૃપમાં જ રહેજો, અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે એમને લિફ્ટ આપવાનું ટાળજો.
  • કોઈપણ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવાવરુ જગ્યાએ ન જશો.
  • ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા- આવવાનો રસ્તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરજો.
  • રાત્રિના સમયે જો કોઇ વાહન ન મળતું હોય તો 100 અથવા 181 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો

ઉલ્લેખનીય છે કે સુરત શહેર શાંતિ પ્રિય શહેર કહેવામાં આવે છે અને સુરતની શાંતિ ન ડહોળાય એટલા માટે સુરત શહેર પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગણેશ મહોત્સવમાં ગણેશ પ્રતિમા પર પથ્થર મારાની ઘટના બાદ હવે નવરાત્રીનો તહેવાર ખૂબ શાંતિના માહોલમાં ઉજવાય તે હેતુથી પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વખતે નવરાત્રીમાં સૌપ્રથમ વખત પોલીસ દ્વારા ઘોડે સવારોની પણ મદદ લેવામાં આવી છે. નવરાત્રીમાં ઘોડા પર સવાર થયેલા પોલીસ પણ પેટ્રોલિંગ કરતા જોવા મળશે. આ ઉપરાંત પોલીસ દ્વારા સતત અલગ અલગ વિસ્તારમાં બાઈક પર પેટ્રોલિંગ કરવામાં આવશે અને ખાસ ડ્રોનથી પણ અલગ અલગ વિસ્તારમાં સર્વેલન્સ કરવામાં આવશે. જેથી કરી મહિલા અને યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.