January 3, 2025

કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોરના પત્ર મામલે BJPની પ્રતિક્રિયા – અનામતના નામે રાજકારણ કરે છે

અમદાવાદઃ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પેટા અનામતની માગ કરતો વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. ત્યારે આ મામલે હવે રાજકારણ ગરમાયું છે. ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરના OBCમાં પેટા અનામતની માગ મામલે PM નરેન્દ્ર મોદીને લખેલા પત્ર મામલે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યુ છે કે, ‘ગેનીબેને ખોટી રીતે પત્ર લખીને બંધારણ વિરુદ્ધનું કાર્ય ન કરવું જોઈએ. અનામતના નામે ગેનીબેન રાજકારણ કરી રહ્યા છે. બનાસકાંઠામાં OBCના લોકોને ખુશ કરવા અને લોકપ્રિય થવા માટેનું કાવતરું છે.’

તેમણે વધુમાં જણાવ્યુ છે કે, ‘બંધારણની અંદર પેટા અનામત યોગ્ય નથી. ગેનીબેન ધારાસભ્ય રહ્યા અને હાલ સાંસદ છે. છતાં પણ સમજણ વગરનો પત્ર લખ્યો છે. બંધારણના નિયમો બેનને ખબર હોવા જોઈએ. 27% અનામત આપી જ છે અને હવે પેટા અનામત ના હોય. પેટા અનામત બંધારણ વિરુદ્ધ છે.’

ગેનીબેન ઠાકોરે પત્રમાં શું લખ્યું હતું?
બનાસકાંઠાના કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોરે ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘23 જાતિઓને અનામતમાં મળતા લાભોમાં બહુ મોટી અસમાનતા છે, જેથી તેમને લાભ આપવો જોઈએ. સામાજિક રીતે સવર્ણ સમાજ સાથે જોડાયેલી ઓબીસી જાતિઓમાંથી 27% અનામત 90 ટકાથી વધુ લાભ પાંચ દસ જાતિઓ લઈ લે છે. પાંચ કે દસ જાતિઓ ઓબીસીનો લાભ લઈને વધુને વધુ સુખી અને સમૃદ્ધ થતા રહે છે. ઓબીસીમાં આવા બે ભાગ કરવામાં આવે.’