September 24, 2024

કોર્ટના ચુકાદા બાદ ભાજપે કરી સિદ્ધારમૈયાના રાજીનામાંની માગ, કહ્યું: “કોંગ્રેસ ભ્રષ્ટાચારની દુકાન”

MUDA Scam: કર્ણાટક હાઈકોર્ટે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને રાહત આપી નથી. કોર્ટે તેમની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. સિદ્ધારમૈયાએ MUDA કેસમાં તેમની સામે તપાસ માટે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત દ્વારા આપવામાં આવેલી મંજૂરીને પડકારી હતી. હાઈકોર્ટે રાજ્યપાલની મંજૂરીને પડકારતી સીએમ સિદ્ધારમૈયાની અરજીને ફગાવી દીધી હતી. ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કોર્ટના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે તેને ભાજપનું રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. ભાજપના નેતાએ પણ શિવકુમારના આરોપો પર પલટવાર કર્યો અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી. આ સાથે તેમણે કોંગ્રેસને ભ્રષ્ટાચારની દુકાન ગણાવી હતી.

ભાજપના નેતાએ આપી પ્રતિક્રિયા
રાજ્યપાલની મંજૂરીને પડકારતી સિદ્ધરમૈયાની અરજી ફગાવવાના કોર્ટના નિર્ણય પર ભાજપના પ્રવક્તા શાહવાઝ પૂનાવાલાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, “હવે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી રહેવાનો કોઈ નૈતિક અને કાયદાકીય અધિકાર નથી. આજે કોંગ્રેસ પાર્ટી ‘ભ્રષ્ટાચારની દુકાન’ બની ગઈ છે. આજે ભ્રષ્ટાચારની દુકાનનો પર્દાફાશ થયો છે અને સિદ્ધારમૈયાએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. શું રાહુલ ગાંધી આ ભ્રષ્ટાચારની દુકાન વિરુદ્ધ કાર્યવાહી કરશે?

કર્ણાટકમાં ભાજપના અધ્યક્ષ બી. વાય. વિજયેન્દ્રએ કહ્યું, “ભાજપ સતત ભ્રષ્ટ કોંગ્રેસની ભ્રષ્ટ સરકાર સામે લડી રહ્યું છે. અમે ભ્રષ્ટ સીએમ સિદ્ધારમૈયા સામે લડી રહ્યા છીએ. ભાજપે MUDA કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો. હાઈકોર્ટે કહ્યું કે સીએમ દ્વારા પડકારવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવી છે.ઠ ન્યાયાધીશે કહ્યું કે કાયદા સમક્ષ સૌકોઈ સમાન છે. આ સમયે હું સીએમ સિદ્ધારમૈયાના રાજીનામાની માંગ કરું છું.”

તેમણે વધુમાં કહ્યું કે, “અમે અગાઉ પણ કહ્યું છે કે MUDA કૌભાંડમાં સીએમ સંડોવાયેલા છે અને તેમના પરિવારના સભ્યો લાભાર્થી છે. અમે ભ્રષ્ટ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે બેંગ્લોરથી મૈયૂર સુધી પદયાત્રા કાઢી હતી. સીએમ અને કેબિનેટ મંત્રીઓએ રાજ્યપાલ પર અનેક આરોપો લગાવ્યા. હવે આ મામલો કોર્ટમાં પહોંચ્યો જેનો આજે કોર્ટે ચુકાદો આપી દીધો અને કહ્યું કે રાજ્યપાલની કાર્યવાહી કાયદેસર હતી. તેનાથી સંકેત મળે છે કે સીએમ અને તેમના પરિવાર આ કૌભાંડમાં સામેલ હતા. અમે સીએમના રાજીનામાંની માંગ કરી છે. મને આશા છે કે સિદ્ધારમૈયા હાઈકોર્ટના ચુકાદાનું સન્માન કરશે.”