સુરત જીલ્લાના ગામોમાં પાવર ગ્રીડ દ્વારા નાખવામાં આવતી વીજ લાઈનનો વિરોધ
કિરણસિંહ, સુરત: સુરત જીલ્લાના ગામોમાં પાવર ગ્રીડ દ્વારા નાખવામાં આવતી વીજ લાઈનનો વિરોધ યથાવત છે. ખેડૂતો ખેતરમાંથી વીજલાઈન નહીં લઇ જવા દેવા માટે મક્કમ છે. ગામડાઓમાં પાવરગ્રીડ કંપનીના અધિકારીઓને ખેતરમાં નહી પ્રવેશવા પર પ્રતિબંધના પોસ્ટર લગાવાયા છે. આજરોજ બારડોલીના મોતા ગામે અગત્યની મીટિંગ મળી હતી. જેમાં દરેક ગામમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશન વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી આપવામાં આવશે.
સુરત જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો વિરોધ યથાવત છે, આજરોજ બારડોલી તાલુકાના મોતા ગામે પાવરગ્રીડ કંપનીના વિરોધમાં એક અગત્યની મીટીંગ મળી હતી, બારડોલી રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર પણ આ મીટિંગ માં હાજર રહ્યા હતા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ધ્વારા કચ્છના ખાવડાથી નવસારીના વાંસી બોરસી સુધી 765 કેવીની વીજ લાઈન નાખવામાં આવી રહી છે, જે સુરત જીલ્લાના માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને પલસાણા તાલુકામાંથી આ લાઈન પસાર થવાની છે અને ખેડૂતોની ઉપજાવ ફળદ્રુપ જમીનને મોટું નુકસાન થવાનું છે જેને લઇ ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યા છે.
ખેડૂતોનું માનીએ તો ખેડૂતોને કોઈ પણ જાતની આગોતરી જાણ કે નોટીસ આપ્યા વગર પાવરગ્રીડ કંપનીના અધિકારી ખેતરમાં સર્વે કરવા માટે ઘુસી જાય છે અને તેમના ઉભા પાકને નુકસાન કરી રહ્યા છે. ઉપરાંત ખેડૂતોને જે વળતર આપવાની વાત કરે છે તે પણ 1885 ના ટેલીગ્રાફી એક્ટ મુજબ છે. જે એકદમ યોગ્યને ખેડૂતોની મહામૂલી જમીનની કીમતની સામે નહીવત છે, ખેડૂતોની માંગ છે કે કચ્છથી નવસારી સુધી મોટો દરિયા કિનારો છે. જે કોસ્ટલ વે પર આ લાઈન નાખવામાં આવે તો ખેડૂતો મોટા નુકસાનમાંથી બચી શકે એમ છે. આવનાર દિવસોમાં ખેડૂતો દરેક ગામ દીઠ પાંચ જેટલી પોલીસ ફરિયાદ પણ નોંધવા માટે તજવીજ હાથ ધરી રહ્યા છે.