September 22, 2024

હિઝબુલ્લાહે શરૂ કર્યું ‘ઓપરેશન બદલા’, 150થી વધુ રોકેટથી કર્યો હુમલો

Israel: છેલ્લા એક સપ્તાહમાં ઈઝરાયલ હિઝબુલ્લાહને ઘણી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. જેના જવાબમાં હિઝબુલ્લાહે રવિવાર સવારથી ઈઝરાયલ વિરુદ્ધ ત્રણ ઓપરેશન હાથ ધર્યા છે. જેમા ઈઝરાયલની જગ્યાઓ પર સેંકડો રોકેટ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. હિઝબુલ્લાહના આ હુમલાઓ બાદ ઈઝરાયલના અલગ-અલગ શહેરોમાંથી નુકસાનના અહેવાલો સામે આવ્યા છે. સૌથી વધુ નુકસાન હૈફામાં થયું છે.

પ્રથમ ઓપરેશનમાં ઇસ્લામિક રેઝિસ્ટન્સે ડઝનેક ફાદી 1 અને ફાદી 2 રોકેટ વડે ઇઝરાયલી રામત ડેવિડ લશ્કરી મથક અને એરપોર્ટને નિશાન બનાવ્યું હતું. પ્રથમ હુમલાના થોડા સમય પછી હિઝબુલ્લાહે એ જ લક્ષ્યો પર બીજું ઓપરેશન શરૂ કર્યું. જેમાં ફાદી 1 અને ફાદી 2 રોકેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. હુમલા બાદ જારી કરાયેલી તસવીરોમાં વાહનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આગ લાગતા જોઈ શકાય છે. આ હુમલામાં એક કિશોરના મોતના પણ સમાચાર છે.

ત્રીજા ઓપરેશનમાં આર્મી બેઝને નિશાન બનાવવામાં આવ્યું
ત્રીજા ઓપરેશનમાં તે રાફેલ લશ્કરી-ઔદ્યોગિક સંકુલ પર સવારે લગભગ 6:30 વાગ્યે હાથ ધરવામાં આવ્યું હતું. રાફેલ ઈઝરાયલી સૈન્ય માટે ઇલેક્ટ્રોનિક ઘટકો બનાવવા માટે જાણીતું છે અને તે હાઇફા શહેરની ઉત્તરે ઝવુલુન ખીણમાં સ્થિત છે. તેને ડઝનેક ફાદી 1, ફાદી 2 અને કટ્યુષા રોકેટ દ્વારા પણ નિશાન બનાવવામાં આવ્યું છે.

ઈઝરાયલની સેનાના જણાવ્યા અનુસાર હિઝબુલ્લાએ મોડી રાતથી લગભગ 150 રોકેટ છોડ્યા છે. જેમાંથી મોટા ભાગનાને હવાઈ સંરક્ષણ દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: લેબનોને બીજુ ગાઝા બનવાની મંજૂરી આપી શકાય નહીં… ચીફ એન્ટોનિયો ગુટેરેસે કેમ આવું કહ્યું?

ઈઝરાયલની સેનાએ 400 હવાઈ હુમલા કર્યા
ઈઝરાયલની સેનાએ માહિતી આપી હતી કે તેના ફાઈટર જેટ્સે હિઝબુલ્લાહના ટાર્ગેટ પર લગભગ 400 હવાઈ હુમલા કર્યા છે. ઈઝરાયલ દાવો કર્યો હતો કે મોટાભાગના હુમલાઓ હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા જ્યાંથી ઈઝરાયલ પર હુમલો કરવાના પ્રયાસો થઈ રહ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવ બાદ આ દિવસે બંને તરફથી સૌથી મોટા હુમલાનો દિવસ રહ્યો છે.

યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસે લેબનોનમાં વધી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી છે. ગુટેરેસે આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે અમે લેબનોનને બીજુ ગાઝા બનવા દઈ શકીએ નહીં.