November 24, 2024

8.50 લાખ બેંક કર્મચારીઓનો પગાર વધારો મંજૂર, IBA અને બેંક યુનિયન વચ્ચે થયા કરાર

Bank Employees Gift: દેશના 8.50 લાખ બેંક કર્મચારીઓના પગાર વધારાને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે IBA અને બેંક યુનિયનો વચ્ચે સમજૂતી થઈ છે અને બેંક કર્મચારીઓની લાંબા સમયથી ચાલતી રાહ હવે પુરી થઈ છે. નોંધનીય છે કે સરકારી બેંક કર્મચારીઓનો વર્તમાન 11મો પગાર કરાર 1 નવેમ્બર, 2022ના રોજ સમાપ્ત થયો હતો. લાંબા સમયથી બેંક કર્મચારીઓના પગાર વધારા અંગે સર્વસંમતિ સાધવા માટે યુનિયન અને IBA વચ્ચે વાતચીત ચાલી રહી હતી. IBAના અધ્યક્ષ એકે ગોયલે જાહેરાત કરી કે પગારમાં 17 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, બેંક કર્મચારીઓને 5 દિવસ (5-day Week) કામ કરવાની તક આપવામાં આવી નથી.

બેંક કર્મચારીઓને 5 દિવસ કામ કરવાની ભેટ ન મળી
બેંક કર્મચારીઓની 5 દિવસ કામ કરવાની માંગ પૂરી કરવામાં આવી નથી, જોકે બેંક એસોસિએશનનું કહેવું છે કે માત્ર કેન્દ્ર સરકાર જ તેને મંજૂરી આપી શકે છે. નોંધનીય છે કે બેંક યુનિયનોએ બેંકોમાં 5 દિવસ કામ કરવાની માંગ કરી હતી. IBA પહેલા જ સરકારને તમામ શનિવારને બેંકોમાં રજા તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ આપી ચૂક્યું છે. હાલમાં દેશમાં બેંકો માત્ર બીજા અને ચોથા શનિવારે જ બંધ રહે છે. આ રીતે બેંક કર્મચારીઓને એક મહિનામાં 6 સાપ્તાહિક રજા મળે છે, તેને વધારીને 8 સાપ્તાહિક રજા કરવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી પરંતુ હાલમાં તે અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

AIBEAના જનરલ સેક્રેટરીએ સંકેત આપ્યા હતા
આ અંગેની વિગતવાર માહિતી બહાર આવે અને પ્રેસ કોન્ફરન્સ થાય તે પહેલા જ ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA)ના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં આમાં બેન્કર્સ માટે સારા સમાચારનો સંકેત આપ્યો હતો.

લોકસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર, સરકારે લીધો મોટો નિર્ણય
લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત અને આચારસંહિતાના અમલ પહેલા જ કેન્દ્ર સરકારે બેંક કર્મચારીઓની મંજૂર કરી દીધી છે. બેંક કર્મચારીઓના પગારમાં 17 ટકાના સારા વધારા સાથે કેન્દ્ર સરકારને તેમનો સહયોગ મળવાની આશા છે.