નર્મદા ડેમ અને કરજણ ડેમમાં 70 ટકા પાણી સંગ્રહ, ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ

પ્રવિણ પટવારી, નર્મદા: ઉનાળો આકરો બનતા ગુજરાતમાં જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યના 92 ડેમમાં માત્ર 30% પાણી હોય ચિંતિત સરકાર દોડતી થઈ છે. ત્યારે નર્મદા જિલ્લામાં આવેલ નર્મદા ડેમ અને કરજણ ડેમમાં 70 ટકા પાણી સંગ્રહ રહેતા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે.
ખાસ કરીને રાજપીપલા નજીક જીતગઢ ખાતે આવેલો કરજણ ડેમ ભરૂચ અને નર્મદ નર્મદાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે. હાલ ઉનાળામાં મોટાભાગના જળાશયોમાં ગરમીને કારણે પાણીનો સંગ્રહ ઘટી રહ્યો છે. ત્યારે નર્મદાના એક માત્ર કરજણ ડેમમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. કરજણ ડેમમાં અત્યારે 70% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેનાથી ઉનાળું પાક માટે આશીર્વાદરૂપ છે. ખાસ કરીને ઉનાળુ પાક માટે સિંચાઈ માટે આ ડેમનું પાણી ખૂબ ઉપયોગી છે. કરજણ ડેમમ 70% ભરેલો હોય હજી ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
ઉનાળામાં પણ ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત પ્રમાણે પાણી છોડવામાં આવે છે. રાજપીપલા ખાતે કરજણ કિનારાના ખેડૂતોને ઉનાળુ પાક માટે ઉપયોગી થઈ પડે એ માટે નદીના હેઠવાસમાં પાણી હાલ ડેમમાંથી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ઉપરાંત કરજણ જળાશયના જમણા કાંઠાની નહેરમાં પણ 40 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. કરજણ ડેમનો લાઈવ સ્ટોરેજ 514.74 મિલિયન ઘન મીટર છે અને ગ્રોસ સ્ટોરેજ 538.75 મિલિયન ઘન મીટર છે. કરજણ ડેમની સપાટી 109 મીટર છે.