June 27, 2024

રણમાંથી 70 લાખ વર્ષ જૂનું વ્હેલનું હાડપિંજર મળ્યું, અહીં કેવી રીતે પહોંચ્યું?

અમદાવાદઃ દક્ષિણ અમેરિકાના દેશ પેરુના રણમાં પ્રાગૈતિહાસિક સ્પર્મ વ્હેલ માછલીના અશ્મિ મળી આવ્યાં છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, 70 લાખ વર્ષ પહેલાં પૃથ્વી પર સ્પર્મ વ્હેલ માછલી હાજર હતી. તેમને રણમાંથી એ વ્હેલની ખોપડીનું હાડપિંજર મળ્યું છે. અશ્મિના અવશેષો અત્યાર સુધી સંપૂર્ણપણે સુરક્ષિત સ્થિતિમાં મળી આવ્યા છે.

પેરુવિયન પેલિયોન્ટોલોજિસ્ટ એલ્ડો બેનિટ્સ પાલોમિનોએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ખોદકામમાં મળેલા અવશેષો સંપૂર્ણપણે સુરક્ષિત નથી હોતા. જડબા, કરોડરજ્જુ, દાંત અથવા અન્ય વસ્તુઓનાં હાડપિંજર જ જોવા મળે છે. 7 મિલિયન વર્ષો પહેલાં પૃથ્વી પર મળી આવેલા સ્પર્મ વ્હેલની ખોપરીના સંરક્ષિત હાડપિંજર આ બાબતમાં અપવાદ છે. આ અવશેષ લીમાના નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે.

પાલોમિનો કહે છે કે, મળેલા અશ્મિમાં સ્પર્મ વ્હેલ માછલીની કાનના હાડકાં અને બે આર્ટિક્યુલર વર્ટીબ્રે સાથેની સંપૂર્ણ ખોપરી મળી આવી છે. આ વિશ્વમાં સૌથી સારી રીતે સંરક્ષિત પ્રાગૈતિહાસિક સ્પર્મ વ્હેલના અશ્મિ છે. આ અશ્મિએ પ્રાગૈતિહાસિક કાળના ઘણાં રહસ્યો ઉજાગર કર્યા છે.

સંશોધકોને ઓકુકાય રણમાં પ્રાગૈતિહાસિક સ્પર્મ વ્હેલ માછલીના અવશેષો મળ્યા છે. તેનાથી તમને આશ્ચર્ય થશે કે, આ ડીપ સી વ્હેલના અશ્મિ રણની વચ્ચે કેવી રીતે મળી આવ્યાં? વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, પ્રાગૈતિહાસિક સમયમાં ઓકુકાય રણ એક વિશાળ સમુદ્ર હતો. ધીરે ધીરે અહીંથી પાણી ઓસરી ગયું અને રણનું નિર્માણ થયું હતું.

સંશોધકોને મળેલી આ સ્પર્મ વ્હેલની ખોપરીના હાડપિંજરની લંબાઈ 4 ફૂટથી વધુ છે. તેના આધારે સંશોધકો અને વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, આ સ્પર્મ વ્હેલની લંબાઈ 18 ફૂટથી થોડી વધુ હશે. લાખો વર્ષો પહેલાં આ વિસ્તારમાં વિશાળ સમુદ્રમાં અનેક પ્રાણીઓ જોવા મળતા હતા. રણીકરણની પ્રક્રિયામાં કેટલાક અહીં દફન થઈ ગયા હશે, તેમના અવશેષ અહીંથી મળી આવે છે.

સ્પર્મ વ્હેલના હાડપિંજરમાંથી પણ ઘણા રહસ્યો સામે આવ્યા છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે, સ્પર્મ વ્હેલ માછલીના હાડપિંજરમાં રહેલા દાંતમાંથી ઘણું બધું સ્પષ્ટ છે. તેમના મતે સ્પર્મ વ્હેલના દાંત તીક્ષ્ણ અને ખૂબ મોટા હોય છે. આ દર્શાવે છે કે તેઓ મોટા જળચર પ્રાણીઓનો શિકાર કરતા હતા. જો કે, સ્પર્મ વ્હેલ હવે નાના જીવોનો શિકાર કરે છે.