September 15, 2024

દેશભરના ખેડૂતો માટે મોદી કેબિનેટની 7 મોટી ભેટ, આવકમાં થશે વધારો: અશ્વિની વૈષ્ણવ

Union Cabinet: કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોને લગતી 7 યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે આ જાણકારી આપી. માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેબિનેટે સોમવારે ખેડૂતોનું જીવનધોરણ સુધારવા અને તેમની આવક વધારવા માટે 7 મોટા નિર્ણયો લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત આ 7 કાર્યક્રમો માટે લગભગ 14,000 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.

અશ્વની વૈષ્ણવે કહ્યું, કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું પહેલું ડિજિટલ એગ્રીકલ્ચર મિશન છે. 2817 કરોડના રોકાણ સાથે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન તૈયાર કરવામાં આવશે.

ખેડૂતોને મોદી સરકારની 7 ભેટ
1- કેન્દ્રીય કેબિનેટે ખોરાક અને પોષણના પાક વિજ્ઞાનને સમર્પિત રૂ. 3,979 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી.
2- 2,817 કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી આપવામાં આવી.
3- કેબિનેટે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂ. 2,292 કરોડની જોગવાઈ વાળા કાર્યક્રમને મંજૂરી આપી.
4- સરકારે ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે રૂ. 1,702 કરોડની યોજનાને મંજૂરી આપી.
5- કેન્દ્રીય કેબિનેટે બાગાયતના વિકાસ માટે 860 કરોડ રૂપિયાની મંજૂરી આપી.
6- કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે રૂ. 1,202 કરોડની ફાળવણીને મંજૂરી આપી.
7- કુદરતી સંસાધન વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂ. 1,115 કરોડની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી.

કેબિનેટ બેઠકમાં આ નિર્ણયોને પણ અપાઈ મંજૂરી
– કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી. સૂચિત એકમ રૂ. 3,300 કરોડના રોકાણ સાથે સ્થાપવામાં આવશે. આ યુનિટની ક્ષમતા પ્રતિદિન 60 લાખ ચિપ્સની હશે.

– આ એકમમાં ઉત્પાદિત ચિપ્સ જુદા જુદા પ્રકારની એપ્લિકેશનોને પૂરી કરશે જેમાં ઔદ્યોગિક, ઓટોમોટિવ, ઇલેક્ટ્રિક વાહનો, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન્સ, મોબાઈલ ફોન વગેરે જેવા ક્ષેત્રો સામેલ છે.

– કેબિનેટે બે મુખ્ય વ્યાપારી કેન્દ્રો મુંબઈ અને ઈન્દોર વચ્ચે ટૂંકી રેલ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે 309 કિમી લાંબી નવી લાઈન પ્રોજેક્ટને મંજૂરી આપી

– મંજૂર કરાયેલ પ્રોજેક્ટ, કોમર્શિયલ હબ મુંબઈ અને ઈન્દોરને સૌથી ટૂંકા રેલ માર્ગ દ્વારા જોડવા ઉપરાંત, મહારાષ્ટ્રના 2 જિલ્લાઓ અને મધ્ય પ્રદેશના 4 જિલ્લાઓમાંથી પસાર થતા મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના અસંબદ્ધ વિસ્તારોને પણ કનેક્ટિવિટી પૂરી પાડશે. પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 18,036 કરોડ છે અને તે 2028-29 સુધીમાં પૂર્ણ થશે. નિર્માણ દરમિયાન પ્રોજેક્ટથી અંદાજે 102 લાખ માનવ દિવસ માટે સીધી રોજગારી પણ ઊભી થશે.