November 24, 2024

પેરાસિટામોલ સહિતની 53 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ! વિટામિનની ગોળીઓ ‘ખતરનાક’

53 Drugs Failed Quality Test : જો તમને તાવ અથવા દુખાવો થાય ત્યારે તમે તરત જ પેરાસિટામોલનું સેવન કરો છો, તો સાવધાન થઈ જજો. દેશના ડ્રગ રેગ્યુલેટર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ લેટેસ્ટ માસિક ડ્રગ એલર્ટ જારી કર્યું છે. જેમાં પેરાસીટામોલ સહિતની 53 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે. આ દવાઓમાં કેલ્શિયમ અને વિટામિન ડી3 સપ્લીમેન્ટ્સ, ડાયાબિટીસ વિરોધી ગોળીઓ અને હાઈ બ્લડ પ્રેશર માટેની દવાઓનો પણ સમાવેશ થાય છે. આ રિપોર્ટથી સામાન્ય માણસના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી ગઈ છે.

CDSCOએ આ 53 દવાઓને નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી (NSQ) એલર્ટ તરીકે જાહેર કરી છે. NSQ ચેતવણીઓ રાજ્યના દવા અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા રેન્ડમ માસિક નમૂનામાંથી જનરેટ થાય છે. જે દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં પાસ થઈ નથી તેમાં વિટામિન સી અને ડી3 રી ગોળીઓ શેલ્કલ (Shelcal), વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી સોફ્ટજેલ્સ, એન્ટિએસીડ પૈન-ડી, પેરાસિટામોલ ટેબ્લેટ IP 500 MG, ડાયાબિટીસની દવા ગ્લિમેપીરાઈડ (Glimepiride)નો સમાવેશ થાય છે.

કઈ કંપનીઓ આ દવાઓ બનાવે છે?
આ દવાઓ Hetero Drugs, Alkem Laboratories, Hindustan Antibiotics Limited, Karnataka Antibiotics and Pharmaceuticals Limited, Meg Lifesciences અને Pure and Cure Healthcare જેવી કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. પેટનું ઇન્ફેક્શન તપાસવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી દવા મેટ્રોનીડાઝોલ પણ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે. આ દવા PSU કંપની હિન્દુસ્તાન એન્ટિબાયોટિક લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. પરંતુ, આ કંપનીઓ આની જવાબદારી લેતી હોય તેવું લાગતું નથી.

કંપનીઓ જવાબદારી લેવાનું ટાળી રહી છે
દવા નિયમનકારે ક્વોલિટી ટેસ્ટમાં ફેલ રહેલી દવાઓની બે યાદી બહાર પાડી છે. પ્રથમ યાદીમાં 48 લોકપ્રિય દવાઓના નામ છે. તે જ સમયે, બીજી સૂચિમાં 5 દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તે ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે જવાબ વિભાગ પણ રાખવામાં આવ્યો છે જે ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે, પરંતુ, આ અંગે આવી રહેલા પ્રતિભાવો દર્શાવે છે કે આ કંપનીઓ દવાઓને નકલી ગણાવીને જવાબદારી લેવાનો ઇનકાર કરી રહી છે. હવે જોવાનું એ રહે છે કે આ કંપનીઓ સામે શું કાર્યવાહી થાય છે.