December 25, 2024

લખનૌમાં બેન્કના 42 લોકર તોડ્યા… 48 કલાકમાં બે આરોપી ઠાર, 2 ફરાર

Lucknow: લખનૌના ચિનહાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં ચોરી કરનાર બે ગુનેગારો પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ પામ્યા છે. પહેલું એન્કાઉન્ટર લખનૌમાં થયું હતું, જ્યારે બીજું ગાઝીપુરમાં થયું હતું. આ એન્કાઉન્ટરમાં બંને બદમાશોના મોત થયા હતા. બેંક ચોરીની ઘટના બાદથી પોલીસે બદમાશોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. લખનૌના કિસાન પથ પર પોલીસ અને બદમાશો વચ્ચેના આ અથડામણમાં, 25,000 રૂપિયાનું ઈનામ ધરાવતો ગુનેગાર સોબિંદ કુમાર (29) ઠાર થયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તેની સાથે રહેલો અન્ય એક આરોપી સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. 24 કલાકમાં બેંક લૂંટારા ગેંગ સાથે લખનૌ પોલીસની આ બીજી એન્કાઉન્ટર હતી. જેમાં બીજા ગુનેગાર સનીનું પણ મોત થયું હતું.

ત્રણ આરોપી પોલીસ કસ્ટડીમાં
સોમવારે, ઇન્ડિયન ઓવરસીઝ બેંકની ચિન્હાટ શાખામાં ચોરીના 24 કલાકની અંદર એન્કાઉન્ટર પછી પોલીસે ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી હતી. બેંકમાં ચોરીને 7 ગુનેગારોએ અંજામ આપ્યો હતો. જેમાંથી 3 આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. જેમાથી બેને ઠાર માર્યા છે. ત્યારે અન્ય બે ફરાર છે. બેંક લોકર લૂંટ કેસમાં પકડાયેલા ત્રણેય આરોપીઓ બિહારના રહેવાસી છે. અરવિંદ અને કૈલાશ બિંદ મુંગેરના છે, જ્યારે બલરામ ભાગલપુરના રહેવાસી છે. જ્યારે સોવિંદ કુમાર એન્કાઉન્ટરમાં ઘાયલ થયા બાદ મૃત્યુ પામ્યા છે. સોવિંદ પણ બિહારના મુંગેરનો રહેવાસી હતો.

આ પણ વાંચો: અમેરિકાના કેલિફોર્નિયામાં શૂટઆઉટ, ડ્રગ માફિયા સુનીલ યાદવની હત્યા; ગોલ્ડી બ્રાર ગેંગે લીધી જવાબદારી

ઉલ્લેખનીય છે કે, રવિવારે જ્યારે એક દુકાનદાર પ્લોટ તરફ ગયો ત્યારે તેણે દિવાલ કપાયેલી જોઈ. આ પછી તેણે પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જ્યારે બેંકની અંદર તપાસ કરી તો 90 લોકરમાંથી 42 લોકર તૂટેલા હતા. આ લોકરમાં કરોડો રૂપિયાના દાગીના અને દસ્તાવેજો હતા. આ પછી જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે આખી બેંકમાં એક જ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ડીસીપી શશાંક સિંહે જણાવ્યું કે ચોરોને પકડવા માટે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ સહિત 8 ટીમો બનાવવામાં આવી હતી.