December 22, 2024

સુરતમાં આંખના પલકારામાં રૂ. 4.55 કરોડનો હીરો બદલી છેતરપિંડી આચરનાર ઝડપાયો

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેરને ડાયમંડ સિટી કહેવામાં આવે છે. ત્યારે કરોડો રૂપિયાના ડાયમંડનો વ્યવહાર સુરતના રસ્તા ઉપર થાય છે. ત્યારે સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વેપારી પાસેથી હીરો ખરીદનાર ઇસમે છેતરપિંડીથી 4.55 કરોડ રૂપિયાનો હીરો બદલી લીધો હતો અને આ બાબતે વેપારી દ્વારા મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે છેતરપિંડી કરનારા 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરી 1 ઈસમ પાસેથી 4.55 કરોડના ડાયમંડ સાથે ધરપકડ કરી હતી.

એવું કહેવામાં આવે છે કે સુરત શહેરમાં રોજબરોજ કરોડો રૂપિયાના ડાયમંડના વ્યવહારો થાય છે અને આ તમામ વ્યવહાર એકબીજા વ્યક્તિના ભરોસા પર થાય છે અને ભરોસોના આધારે જ એકબીજા વ્યક્તિ લાખો કરોડો રૂપિયાના હીરા એકબીજાને આપી દેતા હોય છે. ત્યારે સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ચિરાગ શાહ દ્વારા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચિરાગશાહે હીરો ખરીદવા આવેલા વ્યક્તિ હિતેશ પુરોહિત સામે ચાર 4.55 કરોડ રૂપિયાના હીરાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં ચિરાગ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આરોપી હિતેશ પુરોહિત તેમની પાસેથી D કલરનો VVS2 પ્યોરિટીનો 10.08 કેરેટનો 4.55 કરોડ રૂપિયાનો હીરો ખરીદવાનો હતો. આ હીરો ખરીદવા બાબતે હિતેશ પુરોહિતે ફરિયાદી સાથે ભાવતાલ પણ કર્યો હતો અને ત્યારબાદ હીરાનું સીવીડી ચેક કરીને ફરીથી આ હીરો હિતેશ પુરોહિતે ફરિયાદી ચિરાગ શાહને પરત કર્યો હતો. હિતેશે સીવીડી ચેક કરવા માટે હીરો થોડી વાર માટે પોતાના હાથમાં રાખ્યો હતો અને ત્યારબાદ ચિરાગ શાહને ટોકન પેટે આપવાનું કહીને તે હીરો ટેબલ પર મૂકીને ચાલ્યો ગયો હતો.

આ પણ વાંચો: ઉપરવાસમાં સારા વરસાદને કારણે પોરબંદરનો મેઢા ક્રિક ડેમ ઓવરફ્લો

આરોપી હિતેશ પુરોહિત ચાલ્યા ગયા બાદ ચિરાગ શાહનો દીકરો તેમના પિતા પાસે આવ્યો હતો અને ત્યારબાદ તેને ટેબલ પર મુકેલો હીરો તપાસતા હીરો સિન્થેટિક ડાયમંડ હોવાનું સામે આવ્યું. ત્યારબાદ ફરિયાદીના દીકરા દ્વારા ડાયમંડ પર લખવામાં આવેલો ગ્રેડીંગ નંબર જોતા GIA ગ્રેડિંગ નંબર પણ અલગ હોવાનું સામે આવ્યું હતું. એટલે કે હિતેશ પુરોહિત દ્વારા ઓરીજનલ હીરાને સિન્થેટિક ડાયમંડ સાથે બદલી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરિયાદી ચિરાગ શાહે હિતેશ પુરોહિતને ફોન કરીને બોલાવતા હિતેશ પુરોહિતે જણાવ્યું હતું કે, તે થોડીવારમાં તેમની કેબિન પર આવશે તો કે ત્યારબાદ હિતેશે પોતાનો ફોન બંધ કરી દીધો હતો અને તે ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે માહિધરપુરા પોલીસ દ્વારા વિશ્વાસઘાતની ફરિયાદ નોંધ તપાસ શરૂ કરવામાં આવી હતી.

મહિધરપુરા પોલીસ દ્વારા આ બાબતે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આરોપી હિતેશ પુરોહિતને પકડવા માટે રાજસ્થાન, પાલનપુર, મુંબઈ જેવા સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને આ હીરો દલપત પુરોહિતને આપી દીધો છે. તેથી પોલીસ દ્વારા રાજસ્થાનના દલપત પુરોહિતની ધરપકડ કરી તેની પાસેથી 4.55 કરોડ રૂપિયા નો હીરો જપ્ત કર્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હિતેશ પુરોહિત, ઈશ્વર પુરોહિત અને કમલેશ પુરોહિતે ફરિયાદી પાસેથી આ હીરો મેળવી લીધો હતો અને ત્યારબાદ તેમને આ હીરો રાજસ્થાનમાં રહેતા આરોપી દલપત પુરોહિત અને સુરેશ પુરોહિતને આ હિરો સગેવગે કરવા માટે આપી દીધો હતો. આ સમગ્ર મામલે પોલીસે દલપત પુરોહિતની ધરપકડ કરી હિતેશ પુરોહિત, ઈશ્વર પુરોહિત, કમલેશ પુરોહિત અને સુરેશ પુરોહિતને વોન્ટેડ જાહેર કર્યા છે.