March 1, 2025

Uttarakhand Glacier Burst: 32 કામદારો બચી ગયા, 25 હજુ પણ ફસાયેલા

Uttarakhand Glacier Burst: ઉત્તરાખંડના બદ્રીનાથ અને માણા ગામ નજીક હિમપ્રપાતમાં ફસાયેલા 57 કામદારોમાંથી 32 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. બચાવાયેલા કેટલાક કામદારોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેમને માણા ગામ નજીક ITBP કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. ચમોલી જિલ્લાના સરહદી ગામ માણા નજીકના ઊંચાઈવાળા વિસ્તારમાં બરફ દૂર કરતી વખતે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO)ના કામદારો ફસાઈ ગયા હતા. બદ્રીનાથથી લગભગ ત્રણ કિલોમીટર દૂર માણા, ભારત-તિબેટ સરહદ પર આવેલું છેલ્લું ગામ છે, જે 3200 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ખરાબ હવામાનને કારણે, બચાવ કામગીરી હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે.

બચાવ કામગીરીમાં ખરાબ હવામાન પડકાર બન્યો
ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે બરફમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે પરંતુ આ વિસ્તારોમાં હવામાન હજુ પણ પડકારજનક છે. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે બરફમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ટીમ અને સમગ્ર વહીવટ સંપૂર્ણપણે સતર્ક છે.