September 23, 2024

સત્સંગકાંડ બાદ 20 ઢોંગી બાબાઓને કરાશે બ્લેક લિસ્ટ, 13 અખાડાઓ વચ્ચે સહમતી

Maha Kumbh: હાથરસ દુર્ઘટના બાદ ચર્ચામાં આવેલ નારાયણ સાકાર હરિ ઉર્ફ ભોલે બાબા સહિત 20 જેટલા ઢોંગી બાબાઓને બ્લેક લિસ્ટ કરવામાં આવશે. તમામ 13 અખાડાઓ વચ્ચે આ મુદ્દે સહમતી સધાઈ ચૂકી છે. કુંભ મેળા વહીવટ સાથે 18 જુલાઇના રોજ થઈ રહેલી બેઠકમાં અખાડા પરિષદ તરફથી આ મુદ્દે પ્રસ્તાવ મૂકવામાં આવશે. મેળા અધિકારીઓને કહેવામાં આવશે કે આવા સ્વ-ઘોષિત ઢોંગી બાબાઓને મેળામાં વસવા માટે જમીન અને સુવિધાઓ ન આપવામાં આવે.

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવીન્દ્ર પુરીના જણાવ્યા અનુસાર ભોળી જનતાને ભ્રમિત કરીને પોતાના ભક્તિજાળમાં ફસાવતા જુદાજુદા પાખંડી અને ઢોંગી બાબાઓનું લિસ્ટ અખાડા પરિષદ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આવા ઢોંગી બાબાઓને મહાકુંભમાં પોતાની દુકાનો ઊભી નહિ કરવા દેવામાં આવે. આ મુદ્દે તમામ 13 અખાડાઓના પ્રતિનિધિઓ વચ્ચે સહમતી સધાઈ ગઈ છે કે પાખંડી બાબાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવે.

આ પ્રકારના ઢોંગી બાબાઓને મહાકુંભ માટે જમીન અને શિબિર ઊભી કરવા માટે સુવિધાઓ ન આપવામાં આવે. મેળા વહીવટી તંત્ર સમક્ષ આ માંગને લઈને રજૂઆત કરવામાં આવશે. વાસ્તવમાં, મેળા વહીવટી તંત્ર કુંભમાં રહેતી ધાર્મિક સંસ્થાઓ, મહામંડલેશ્વરોનો સર્વે કરી રહી છે. સંતોની અરજીઓ પણ આવવાની શરૂ થઈ ગઈ છે. આવતા મહિને અરજી કરવા માટે ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે.

હાથરસ કાંડ સર્જાયા બાદ અખાડા પરિષદ પણ ધર્મના નામે પાખંડ કરનાર ઢોંગી બાબાઓ વિરુદ્ધ સક્રિય થઈ ગઈ છે. અખાડા પરિષદના અધ્યક્ષ રવીન્દ્ર પુરીએ જણાવ્યું કે પોતાને ત્રિકાળદર્શી, ભગવાન, પરમબ્રહ્મ અને ઈશ્વરનો અવતાર ગણાવીને જનતા સાથે છેતરપિંડી કરતાં બાબાઓને બ્લેક લિસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ લિસ્ટમાં નારાયણ સાકાર હરિ ઉર્ફ ભોલે બાબા, સેકસ સીડી કાંડમાં ફસાયા બાદ દક્ષિણ અમેરિકાના એક્વાડોરમાં અલગ દેશ વસાવવાનો દાવો કરનાર સ્વામી નિત્યાનંદ, બાબા રામ રહીમ સહિત 20થી વધુ બાબાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અખાડા પરિષદનું માનવું છે કે સંતોએ જનહિત અને દાન દ્વારા સમાજમાં મૂલ્યો અને પ્રતિષ્ઠાનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. પરંતુ તેનાથી સાવ જ ઊલટું, ઢોંગી બાબાઓ સમાજને અંધશ્રદ્ધા અને દંભની જાળમાં ફસાવીને ગેરમાર્ગે દોરે છે. અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી મહંત હરિ ગિરીનું કહેવું છે કે નારાયણ સાકર હરિ પોતાને પરમબ્રહ્મ ગણાવી રહ્યા છે. તે કહે છે કે તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે, જ્યારે ઇચ્છશે પ્રલય કરાવીને સૃષ્ટિને ખતમ કરી નાખશે. આવા 20 નકલી બાબાઓની યાદી સરકારને આપીશું, જેથી તેઓ મહાકુંભમાં જમીન અને સુવિધાઓથી વંચિત રાખી શકાય.